<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શિડ્યુલ જાહેર: બાંગ્લાદેશ અને નેપાળની યજમાનીમાં રમાશે ટૂર્નામેન્ટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ૨૨ જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે

૧૬ ટીમો વચ્ચે ૧૬ દિવસ સુધી રોમાંચક મુકાબલાઓ જામશે, ચાર અલગ-અલગ સ્ટેડિયમ પર કુલ ૪૧ મેચો રમાશે; ૬ ફેબ્રુઆરીએ રમાશે મહા7મુકબલો (ફાઇનલ).

દુબઈ, તા.21: ક્રિકેટ જગતમાંથી યુવા મહિલા ખેલાડીઓ માટે એક અત્યંત રોમાંચક અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૭ નો સત્તાવાર કાર્યક્રમ અને ગ્રુપની વિગતો જાહેર કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રમાનારી આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની સંયુક્તપણે બાંગ્લાદેશ અને નેપાળ દ્વારા કરવામાં આવશે, જ્યાં વિશ્વભરની ૧૬ શક્તિશાળી ટીમો ટ્રોફી માટે સામસામે ટકરાશે. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ ત્રીજી આવૃત્તિ છે, જે યુવા પ્રતિભાઓ માટે પોતાની જાતને સાબિત કરવા માટેનું સર્વોત્તમ મંચ પૂરું પાડશે.

 

આ ભવ્ય ટૂર્નામેન્ટની શરૂઆત આગામી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ થી થશે. બાંગ્લાદેશ અને નેપાળના ચાર અત્યાધુનિક સ્ટેડિયમ્સ પર કુલ ૪૧ રોમાંચક મેચો રમાશે. આ મેચો ચટ્ટોગ્રામના 'બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઈટ લેફ્ટનન્ટ મતિઉર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમ', સિલહેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તેમજ કાઠમંડુના 'TU ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ' અને 'અપર મુલપાની ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ' ખાતે યોજાશે.

 

૧૬ ટીમોને ચાર-ચારના જૂથમાં ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સાથે આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને નેપાળને સ્થાન મળ્યું છે. ગ્રુપ B માં દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆ છે. ગ્રુપ C માં ઓસ્ટ્રેલિયા, યજમાન બાંગ્લાદેશ, નાઈજીરીયા અને UAE છે, જ્યારે ગ્રુપ D માં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, USA અને સ્કોટલેન્ડ વચ્ચે જંગ જામશે.

 

ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ચાર મેચો રમાશે, જેમાં સહ-યજમાન બાંગ્લાદેશનો મુકાબલો UAE સામે થશે, જ્યારે નેપાળ બીજા દિવસે આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્તમાન ચેમ્પિયન તરીકે ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરી રહેલી ભારતીય યુવા મહિલા ટીમ પોતાની પ્રથમ મેચ ૨૨ જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે, જેને લઈને ભારતીય પ્રશાસકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

ગ્રુપ સ્ટેજની મેચો ૨૬ જાન્યુઆરી સુધી ચાલશે, ત્યારબાદ ટોચની ટીમો 'સુપર સિક્સ' તબક્કામાં પ્રવેશ કરશે. સેમીફાઈનલ મુકાબલા ૪ ફેબ્રુઆરીના રોજ ચટ્ટોગ્રામ ખાતે યોજાશે, જ્યારે ખિતાબી જંગ (ફાઇનલ મેચ) ૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે ૧:૩૦ વાગ્યે રમાશે, જેમાં ૭ ફેબ્રુઆરીને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ICC ના CEO સંજોગ ગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ટૂર્નામેન્ટ વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટના વિકાસ અને પ્રતિભાને ઉજાગર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

 

(4:46 PM IST)