તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
ICC રેન્કિંગનો નવો રોમાંચ: ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જો રૂટની બાદશાહત છીનવી: શુભમન ગિલની ટોપ 10માં એન્ટ્રી
ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી લો-સ્કોરિંગ ટેસ્ટ મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને હેરી બ્રુકે ટેસ્ટ રેન્કિંગમાં ફરી એકવાર નંબર 1 નું તાજ મેળવ્યું : જ્યારે ભારતીય સુકાની શુભમન ગિલે અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારીને ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં મોટો ઉછાળો માર્યો છે.

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકે તેના જ સાથી ખેલાડી જો રૂટને પાછળ છોડીને ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં નંબર 1 નું સ્થાન હાંસલ કરી લીધું છે. ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી મેચમાં જ્યારે તમામ બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે હેરી બ્રુકે પ્રથમ ઇનિંગમાં 56 રનની કિંમતી અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, દિગ્ગજ બેટ્સમેન જો રૂટ આખી મેચમાં માત્ર 1 અને 8 રન જ બનાવી શક્યો, જેના કારણે તે સીધો ત્રીજા સ્થાને સરકી ગયો છે અને ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. બ્રુકે આ પહેલા ડિસેમ્બર 2024માં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું.
આ રેન્કિંગ ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ ખુશીના સમાચાર લઈને આવી છે. ભારતીય ટીમની કમાન સંભાળી રહેલા શુભમન ગિલે અફઘાનિસ્તાન સામે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 126 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગના દમ પર ગિલ બે સ્થાનની છલાંગ લગાવીને હવે વિશ્વના ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં 8મા સ્થાને પહોંચી ગયો છે. ભારત આ મેચ ઇનિંગ્સ અને 300 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. આ સિવાય અન્ય ખેલાડીઓમાં ઇંગ્લેન્ડના બેન ડકેટ 15મા સ્થાને અને જેમી સ્મિથ સંયુક્ત રીતે 23મા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને પણ 15 સ્થાનનો ફાયદો થયો છે.
માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગ અને વનડે (ODI) રેન્કિંગમાં પણ મોટા ફેરફારો નોંધાયા છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સને ટેસ્ટ બોલરોની યાદીમાં 7 સ્થાનનો ઉછાળો મારીને ટોપ 10માં (10મું સ્થાન) જગ્યા બનાવી લીધી છે, જ્યારે તે ઓલરાઉન્ડરોમાં 6ઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. વનડે ક્રિકેટની વાત કરીએ તો, પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેળવેલી શ્રેણી જીતનો મોટો ફાયદો તેના સ્પિનર અબરાર અહેમદ અને શાહીન આફ્રિદીને મળ્યો છે. અબરાર અહેમદ વનડે બોલરોની રેન્કિંગમાં સીધો બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે શાહીન આફ્રિદી ચાર સ્થાનના સુધારા સાથે 9મા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ પણ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને 23 સ્થાનની મોટી છલાંગ લગાવી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
