તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
'ધ હન્ડ્રેડ' માં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો જાદુ: 20 બોલના ક્વોટામાં 5 વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો
ધ હન્ડ્રેડ લીગમાં રાશિદ ખાનનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન :માન્ચેસ્ટરની ટીમ 95 બોલમાં માત્ર 138 રન બનાવીને ઓલઆઉટ :રાશિદ ખાનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો

ઇંગ્લેન્ડની પ્રખ્યાત 100 બોલની ક્રિકેટ લીગ 'ધ હન્ડ્રેડ' માં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો જાદુ જોવા મળ્યો છે. MI લંડન તરફથી રમતા રાશિદ ખાને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ સામે ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને ધ હન્ડ્રેડના ઈતિહાસમાં પોતાની પ્રથમ 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આ અદ્ભુત પરાક્રમને કારણે MI લંડને આ રોમાંચક મેચ 46 રને જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI લંડને નિર્ધારિત 100 બોલમાં 183 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમ સામે રાશિદ ખાને ફાઈટ આપી હતી.
રાશિદે પોતાના નક્કી કરેલા 20 બોલના ક્વોટામાં માત્ર 17 રન આપીને વિપક્ષી ટીમની 5 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. ધ હન્ડ્રેડ લીગમાં રાશિદ ખાનનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, જેના કારણે માન્ચેસ્ટરની ટીમ 95 બોલમાં માત્ર 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શાનદાર પ્રદર્શન માટે રાશિદ ખાનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
મેચ બાદ રાશિદ ખાને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ તેના માટે અત્યાર સુધી શાંત રહી હતી, પરંતુ તેણે પોતાની ધીરજ ગુમાવ્યા વગર સાચી દિશામાં સતત બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું, જેનું તેને ઉત્તમ પરિણામ મળ્યું. બીજી તરફ, MI લંડનના કેપ્ટન સેમ કુરન રાશિદના આ પ્રદર્શનથી એટલા બધા પ્રભાવિત અને અચંબામાં હતા કે તેમણે સ્વીકાર્યું કે મેચ દરમિયાન સ્ક્રીન પર દેખાડવામાં ન આવ્યું હોત ત્યાં સુધી તેમને ખબર જ નહોતી કે રાશિદે 5 વિકેટ ઝડપી લીધી છે. આ ઘટના રાશિદ ખાનની સાત્યતા અને શાંતિથી કામ કરવાની ખૂબી દર્શાવે છે. આ ભવ્ય વિજય સાથે MI લંડન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
