તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વર્લ્ડ કપમાં મહાઉલટફેરઃ સ્પેને રચ્યો ઇતિહાસ, પોર્ટુગલ અને બ્રાઝિલ જેવી દિગ્ગજ ટીમો રોતાં-રોતાં બહાર!
રોનાલ્ડોનું ‘વર્લ્ડ કપ' જીતવાનું સપનું રોળાયું: ડિફેન્સના દમ પર સ્પેને મિખેલ મેરિનોના ગોલથી પોર્ટુગલને પછાડ્યું, જ્યારે નૉર્વે સામે ભયંકર હાર બાદ ૫ વખતની ચૅમ્પિયન બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ બહાર!

નવી દિલ્હીઃ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો મહાઉલટફેર જોવા મળ્યો છે. વિશ્વભરના કરોડો ફુટબૉલ પ્રેમીઓના દિલ તોડતા પોર્ટુગલ અને બ્રાઝિલ જેવી જાયન્ટ ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે સ્પેને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે.
ટૂર્નામેન્ટમાં સ્પેનનો ક્રેઝ માથા પર ચડીને બોલી રહ્યો છે. સ્પેને વર્લ્ડ કપના ઇતિહાસમાં લાગલગાટ ૬ મૅચમાં વિરોધી ટીમને એક પણ ગોલ ન કરવા દેવાનો ભીષ્મ રેકોર્ડ બનાવ્યો છે. ડિફેન્સની દીવાલ સમાન સ્પેને ક્વાર્ટર ફાઇનલની હાઈ-વોલ્ટેજ મેચમાં પોર્ટુગલને ૧-૦ થી ધૂળ ચટાડી દીધી હતી. મૅચમાં મિખેલ મેરિનોએ કરેલા શાનદાર અને યાદગાર ગોલની મદદથી સ્પેને જીત મેળવી હતી. આ હારની સાથે જ ફૂટબોલના મહાનાયક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે અને કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે.
બીજી તરફ, ફૂટબોલ જગતને સ્તબ્ધ કરી દેતો બીજો મોટો ઝટકો પાંચ વખતની વિશ્વ વિજેતા બ્રાઝિલની ટીમને લાગ્યો છે. અત્યંત રોમાંચક મુકાબલામાં નૉર્વેની ટીમે બ્રાઝિલને એક ગોલથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી ફેંકી દીધું છે. બ્રાઝિલ જેવી મજબૂત ટીમને પછાડીને નૉર્વેએ પહેલી વખત વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશીને નવો ઇતિહાસ રચ્યો છે. દિગ્ગજોના પતન અને અંડરડોગ્સના આક્રમણથી હવે ફૂટબોલ વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
