<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

મુંબઈ ઈન્ડિયન્સના ડૂબતા જહાજને બચાવવા ‘હિટમેન’ મેદાને: હારની હેટ્રિક વચ્ચે રોહિત શર્માના પુનરાગમનની તારીખ નક્કી, ફેન્સમાં ભારે ઉત્સાહ

હેમસ્ટ્રિંગની ઈજાને મ્હાત આપી સનરાઈઝર્સ સામેના હાઈવોલ્ટેજ જંગમાં ગર્જના કરશે રોહિત શર્મા, પ્લેઓફની રેસમાં ટકી રહેવા મુંબઈ માટે જીત અનિવાર્ય, હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી અને નબળા ફોર્મ વચ્ચે અનુભવી ઓપનરની એન્ટ્રીથી ટીમમાં નવા પ્રાણ ફૂંકાશે

મુંબઈ : આઈપીએલ 2026માં સતત હારનો સામનો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા પોતાની હેમસ્ટ્રિંગની ઈજામાંથી ઝડપથી રિકવર થઈ રહ્યા છે. અહેવાલો મુજબ, ‘હિટમેન’ 29 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાનારી મહત્વની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં મુંબઈની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી, જેના કારણે ટીમને પંજાબ, ગુજરાત અને ચેન્નાઈ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત શર્માએ આ સિઝનની શરૂઆત શાનદાર અંદાજમાં કરી હતી અને ચાર મેચમાં 45ની સરેરાશથી 137 રન ફટકારીને ઓરેન્જ કેપની રેસમાં પણ સ્થાન મેળવ્યું હતું. તેની ગેરહાજરીમાં મેનેજમેન્ટે યુવા ખેલાડી દાનિશ માલેવર પર ભરોસો મૂક્યો હતો, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવ અને વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. મુંબઈ હાલમાં સાત મેચમાંથી માત્ર બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાછળ ધકેલાઈ ગયું છે, ત્યારે રોહિતનું આગમન ટીમની બેટિંગમાં ફરી ધાર લાવશે તેવી આશા છે.

જોકે, મુંબઈ ઈન્ડિયન્સની સમસ્યાઓ માત્ર રોહિતની ગેરહાજરી પૂરતી મર્યાદિત નથી. હરાજી દરમિયાન લેવાયેલા નિર્ણયો અને સતત બદલાતી પ્લેઈંગ ઈલેવન ટીમના નબળા પ્રદર્શન પાછળના મુખ્ય કારણો મનાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને ટીમ રણનીતિક રીતે પણ મુંઝવણમાં દેખાઈ રહી છે. હવે જ્યારે ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કે પહોંચી છે, ત્યારે રોહિત શર્માની વાપસી મુંબઈ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. હૈદરાબાદ સામેની મેચ મુંબઈ માટે ‘કરો અથવા મરો’ જેવી હશે, જેમાં રોહિતના બેટમાંથી નીકળનારા રન પ્લેઓફનો રસ્તો સાફ કરી શકે છે.

(12:31 PM IST)