News of Saturday, 16th May 2026
ક્રિકેટના મેદાન પર હસન અલી સાથે સર્જાયો જીવલેણ અકસ્માત: સ્ટ્રેચર પર મેદાન છોડવું પડ્યું!
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કેચ પકડવાની કોશિશમાં પાકિસ્તાની પેસર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: માથું પકડીને બેસી ગયેલા ખેલાડીની હાલત જોઈ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો, જાણો કેવી રીતે થયો આ અકસ્માત

સિલહટ: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સિલહટમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે જ એક અત્યંત ડરામણી ઘટના બની હતી. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર હસન અલી તેની આઠમી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશના બેટ્સમેન તનઝીદ હસને જોરદાર શોટ ફટકાર્યો હતો. આ બોલને કેચ કરવા માટે હસન અલીએ હવામાં ડાઇવ લગાવી હતી, પરંતુ કમનસીબે કેચ છૂટી ગયો અને હસન જમીન પર પટકાયો હતો. આ પટકાવાને કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે મેદાન પર જ માથું પકડીને બેસી ગયો હતો. તબીબી ટીમ તરત જ મેદાન પર દોડી આવી હતી અને તેને સ્ટ્રેચર પર લાદીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
હસન અલીને જ્યારે સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેની આંખો બંધ હતી, જેના કારણે સ્ટેડિયમમાં હાજર ચાહકો અને પાકિસ્તાની ખેમો ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. આ અકસ્માતને કારણે રમત થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી અને હસનની અધૂરી ઓવર પૂરી કરવા માટે સલમાન અલી આગાને મેદાનમાં બોલાવાયો હતો. જોકે, થોડો સમય સ્ટેડિયમના મેડિકલ રૂમમાં સારવાર લીધા બાદ હસન અલીએ અદભૂત જુસ્સો બતાવ્યો અને તે ફરીથી મેદાન પર બોલિંગ કરવા માટે પાછો ફર્યો હતો. તેણે આ મેચમાં કુલ ૧૧.૫ ઓવર ફેંકી ૪૯ રન આપીને બે મહત્વની વિકેટો પણ ઝડપી હતી.
મેચની વાત કરીએ તો, પાકિસ્તાની બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને જકડી રાખ્યા હતા. બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૭૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લિટન દાસે ૧૨૬ રનની શાનદાર ઇનિંગ રમી બાંગ્લાદેશની લાજ બચાવી હતી, જ્યારે પાકિસ્તાન તરફથી ખુર્રમ શહઝાદે ચાર અને મોહમ્મદ અબ્બાસે ત્રણ વિકેટ ઝડપી હતી. હસન અલીની ઈજા બાદની વાપસીએ ટીમના મનોબળમાં વધારો કર્યો છે, પરંતુ ફેન્સ હજુ પણ તેના સ્વાસ્થ્ય અંગે અપડેટની રાહ જોઈ રહ્યા છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
