<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ, ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 મેચોમાં કપ્તાની કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની

એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌરે એક શાનદાર વૈશ્વિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી અને ઉત્કૃષ્ટ કપ્તાન હરમનપ્રીત કૌરે ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. શનિવારે એશિયા કપ 2026ના મહત્વપૂર્ણ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેદાન પર ઉતરવાની સાથે જ હરમતપ્રીત કૌરે મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 મેચોમાં કપ્તાની કરવાનો અદ્ભુત માઈલસ્ટોન પાર કરી લીધો છે. આ સાથે જ તે વિશ્વની એવી પ્રથમ અને એકમાત્ર કપ્તાન બની ગઈ છે જેણે મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દોઢસો મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હોય. આ યાદીમાં વિશ્વની અન્ય કોઈ પણ કપ્તાન તેમની આસપાસ પણ નથી અને તે બીજા સ્થાને રહેલી ચમારી અટાપટ્ટુ કરતા 29 મેચ આગળ નીકળી ગઈ છે.

એશિયા કપ 2026ના આ રોમાંચક ગ્રૂપ ચરણના મુકાબલામાં પાકિસ્તાનની કપ્તાન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે પાકિસ્તાનનો આ નિર્ણય શરૂઆતની ઓવરોમાં જ નિષ્ફળ સાબિત થયો હતો. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરતા પાકિસ્તાની બેટિંગ લાઇન અપને વેરવિખેર કરી નાખી હતી. અહેવાલ લખાય છે ત્યાં સુધી પાકિસ્તાની ટીમ માત્ર 6.1 ઓવરમાં માત્ર 35 ના સ્કોર પર પોતાની 6 મહત્વની વિકેટો ગુમાવી ચૂકી હતી. ભારતની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની બેટરી સંપૂર્ણપણે લાચાર દેખાઈ હતી, જેમાં શ્રીચરણીએ શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ટીમે ટૂર્નામેન્ટમાં અગાઉ જ પોતાના શાનદાર પ્રદર્શનના જોરે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હરમતપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ એશિયા કપ 2026ની પોતાની શરૂઆતની બંને મેચોમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો. પ્રથમ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે થાઈલેન્ડને પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં હોંગકોંગ સામે એકતરફી જીત નોંધાવી હતી. જો ભારતીય ટીમ આજે પાકિસ્તાનને હરાવવામાં સફળ રહે છે, તો ટૂર્નામેન્ટમાં તેની જીતની હેટ્રિક પૂરી થઈ જશે.

બીજી બાજુ, પાકિસ્તાન માટે આ મુકાબલો અત્યંત મહત્વપૂર્ણ અને દબાણથી ભરપૂર છે. પાકિસ્તાને પોતાની સફરની શરૂઆત થાઈલેન્ડ સામેની જીતથી કરી હતી, પરંતુ ભારત સામેની આ મેચમાં તેની હાલત અત્યંત નાજુક બની ગઈ છે. જોકે જો પાકિસ્તાનને આ મેચમાં પરાજયનો સામનો કરવો પડે તો પણ તેની પાસે હોંગકોંગ સામે જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવવાની તક રહેશે.

આ હાઇ વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન આ મુજબ છે. ભારતીય ટીમમાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરમતપ્રીત કૌર કપ્તાન, ભારતી ફુલમાલી, રિચા ઘોષ વિકેટકીપર, પ્રેમા રાવત, દીપ્તિ શર્મા, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચરણી સામેલ છે. જ્યારે પાકિસ્તાન તરફથી મુનીબા અલી વિકેટકીપર, ગુલ ફિરોજા, શાવલ જુલફિકર, આયેશા જાફર, ફાતિમા સના કપ્તાન, સદાફ શમ્સ, ઉમ એ હાની, એયમાન ફાતિમા, નાશરા સંધુ, તુબા હસન અને સાદિયા ઇકબાલ મેદાનમાં ઉતર્યા છે.

(8:58 PM IST)