તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 14th April 2026
ગલી ક્રિકેટથી ગ્લોબલ સ્ટેજ સુધી: પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનનો આઈપીએલમાં 'ડેબ્યૂ ધડાકો', પહેલી જ મેચમાં ૪-૪ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો!
માતાએ ઘરેણાં વેચીને પુત્રને અપાવ્યા હતા સ્પાઈક્સ, તો વિદર્ભના એક્સપ્રેસે ડાયરીમાં લખેલું સપનું કર્યું સાકાર; સનરાઇઝર્સ હૈદરાબાદના આ બે યુવા બોલરોએ દુનિયાને બતાવી પોતાની તાકાત

હૈદરાબાદ:આઈપીએલ (IPL) હંમેશાથી અજાણ્યા અને પ્રતિભાશાળી ખેલાડીઓ માટે નસીબ ખોલનારી લીગ રહી છે. ૨૦૨૬ની સીઝનમાં પણ બે એવા નામો ઉભરી આવ્યા છે જેમણે પોતાની પ્રથમ જ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને મોટા ગજાના બેટ્સમેનોની ઊંઘ ઉડાવી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના બે યુવા રત્નો – પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈને – તેમના ડેબ્યૂ મેચમાં ૪-૪ વિકેટ ઝડપીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે.
ડાયરીમાં લખેલું સપનું હકીકત બન્યું: પ્રફુલ હિંગે
વિદર્ભના ૨૪ વર્ષીય જમણા હાથના ફાસ્ટ બોલર પ્રફુલ હિન્જે મેચ બાદ એક ભાવુક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, "ગયા વર્ષે મેં ક્યાંક લખી રાખ્યું હતું કે જ્યારે પણ હું મારી પહેલી મેચ રમીશ, ત્યારે ૪ કે ૫ વિકેટ ચોક્કસ લઈશ." પ્રફુલે પોતાની ૪ ઓવરમાં ૩૪ રન આપી ૪ વિકેટ ઝડપીને પોતાની આ 'ભવિષ્યવાણી' સાચી કરી બતાવી. ૧૩ વર્ષની ઉંમરે ક્રિકેટની સફર શરૂ કરનાર આ ખેલાડીને હૈદરાબાદે ₹૩૦ લાખમાં ખરીદ્યો હતો, અને આજે તે પ્લેયર ઓફ ધ મેચ બનીને ચમક્યો છે.
માતાના ત્યાગની જીત: બિહારનો લાલ સાકિબ હુસૈન
બીજી તરફ, બિહારના ગોપાલગંજ જિલ્લાના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ૨૧ વર્ષીય સાકિબ હુસૈનની વાર્તા આંખમાં આંસુ લાવી દે તેવી છે. આર્થિક તંગી એટલી હતી કે સાકિબ પાસે ક્રિકેટના જૂતા (સ્પાઈક્સ) ખરીદવાના પણ પૈસા નહોતા, ત્યારે તેની માતાએ પોતાના ઘરેણાં વેચીને પુત્રના સપનાને પાંખો આપી હતી. સાકિબે હૈદરાબાદ તરફથી રમતા માત્ર ૨૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. અગાઉ KKR એ તેને ખરીદ્યો હતો પણ રમવાની તક આપી નહોતી, પરંતુ આજે કુદરતે તેના માટે મોટો ચમત્કાર કરી બતાવ્યો છે.
આઈપીએલ ઈતિહાસના 'એક્સક્લુઝિવ ક્લબ'માં એન્ટ્રી
આઈપીએલના ૧૯ વર્ષના ઈતિહાસમાં ડેબ્યૂ મેચમાં ૪ કે તેથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. પ્રફુલ અને સાકિબે હવે આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે:
• અમિત સિંહ (૨૦૦૯)
• મુજીબ ઉર રહેમાન (૨૦૧૮)
• એન્ડ્રુ ટાય (૨૦૧૭ - હેટ્રિક સાથે ૫ વિકેટ)
• પ્રફુલ હિંગે (૨૦26)
• સાકિબ હુસૈન (૨૦26)
નાના શહેરો, પણ મોટા ઈરાદા
આ બંને ખેલાડીઓની સફળતા એ સાબિત કરે છે કે જો તમારી પાસે દ્રઢ નિશ્ચય અને પરિવારનો સાથ હોય, તો સુવિધાઓનો અભાવ ક્યારેય આડો આવતો નથી. હૈદરાબાદની ટીમે આ બંને યુવા હીરાઓને શોધી કાઢીને ભારતીય ક્રિકેટને બે નવા ફાસ્ટ બોલિંગના વિકલ્પો આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આખી સીઝન દરમિયાન આ બંને ખેલાડીઓ પોતાની આ જ ધાર જાળવી રાખે છે કે નહીં.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
