News of Thursday, 26th November 2026
WBBLના ઈતિહાસમાં રનનો મહાસંગ્રામ: એક જ મેચમાં 473 રન, 21 છગ્ગા અને 57 ચોગ્ગા; છેલ્લા બોલના રોમાંચમાં સિડની થંડર 7 રનથી વિજેતા
ફોબી લિચફિલ્ડના 67 બોલમાં અણનમ 121 રન અને અંતિમ 6 ઓવરમાં 101 રનના તોફાનથી થંડરનો 240નો સ્કોર; એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી મેડેલીન પેન્ના (75) અને તાહલિયા મેકગ્રાથ (46)ની 122 રનની ભાગીદારી છતાં 233 પર અટક્યું

સિડની : મહિલા બિગ બેશ લીગ (WBBL) 2026ની 34મી મેચમાં ગુરુવારે રનનો એવો મહાસંગ્રામ જોવા મળ્યો કે બોલરો માટે બચવાનો કોઈ રસ્તો જ ન રહ્યો. સિડની થંડર અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી આ ઐતિહાસિક મેચમાં બંને ટીમોએ મળીને કુલ 473 રન ખડકી દીધા, જે WBBLના ઈતિહાસમાં સૌથી વધુ સંયુક્ત સ્કોર છે. સમગ્ર મેચમાં 57 ચોગ્ગા અને 21 છગ્ગાનો વરસાદ થયો અને અંતિમ ઓવરના છેલ્લા બોલ સુધી ચાલેલા આ દિલધડક મુકાબલામાં સિડની થંડરે 7 રનથી શાનદાર જીત મેળવી લીધી.
પ્રથમ બેટિંગ કરતા સિડની થંડરને કેપ્ટન ફોબી લિચફિલ્ડે ધમાકેદાર શરૂઆત અપાવી. લિચફિલ્ડે માત્ર 67 બોલમાં 15 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 180.60ના સ્ટ્રાઈક રેટથી અણનમ 121 રન ફટકાર્યા હતા. તેમણે તાહલિયા વિલ્સન (38 રન, 24 બોલ) સાથે 51 બોલમાં 89 રનની ભાગીદારી કરી, ત્યારબાદ હીથર નાઇટે 18 બોલમાં 47 રન (5 ચોગ્ગા, 3 છગ્ગા) અને લૌરા હેરિસે માત્ર 7 બોલમાં 20 રન ફટકારીને ટીમને 20 ઓવરમાં 4 વિકેટે 240 રન સુધી પહોંચાડી દીધી. ખાસ વાત એ રહી કે સિડની થંડરે છેલ્લી છ ઓવરમાં 101 રન ઝૂડી કાઢ્યા હતા.
241 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા એડિલેડ સ્ટ્રાઈકર્સે પણ જોરદાર લડત આપી. લૌરા વોલ્વાર્ડટે 34 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવી મજબૂત પાયો નાખ્યો. ત્યારબાદ મેડેલીન પેન્નાએ માત્ર 34 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ 75 રન અને કેપ્ટન તાહલિયા મેકગ્રાથે 25 બોલમાં અણનમ 46 રન ફટકારીને ચોથી વિકેટ માટે 51 બોલમાં 122 રનની આક્રમક ભાગીદારી નોંધાવી મેચને રોમાંચક બનાવી દીધી હતી.
આખરી ઓવરમાં એડિલેડને જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ સિડની થંડર તરફથી બોલિંગ કરનાર નાડાઇન ડી ક્લાર્કે જબરદસ્ત સંયમ અને દબાણ વચ્ચે શાનદાર બોલિંગ કરીને માત્ર 11 રન જ આપ્યા. પરિણામે એડિલેડ સ્ટ્રાઈકર્સ 20 ઓવરમાં 3 વિકેટે 233 રન સુધી જ પહોંચી શક્યું અને 7 રનથી મેચ હારી ગયું. 121 રનની અણનમ સદી ફટકારનાર ફોબી લિચફિલ્ડને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
