News of Wednesday, 9th September 2026
મેસ્સી અને રોનાલ્ડો વચ્ચેની મહાજંગ હવે નિવૃત્તિ પછી પણ રહેશે ચાલુ! મેસ્સી સ્પેનિશ ક્લબ 'એલ્ડેન્સ' નો ૧૦૦% હિસ્સો ખરીદવા તૈયાર
રોનાલ્ડોએ અલ્મેરિયામાં ૨૫% હિસ્સો ખરીદ્યા બાદ મેસ્સીનો મોટો દાવ; હવે બંને સુપરસ્ટાર ફૂટબોલ મેદાન બહાર ક્લબ માલિક તરીકે સામસામે ટકરાશે

મેડ્રિડ : ફૂટબોલ જગતના બે મહાન દિગ્ગજો લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની ઐતિહાસિક હરીફાઈ હવે મેદાનથી બહાર નીકળીને ક્લબ માલિકીના ક્ષેત્રમાં પહોંચી ગઈ છે. આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીએ સ્પેનિશ સેકન્ડ-ટાયર ફૂટબોલ ક્લબ 'એલ્ડેન્સ' (Eldense) નો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવા માટે સૈદ્ધાંતિક કરાર કર્યો છે. આ સોદો પૂર્ણ થતાં જ બંને દિગ્ગજો વચ્ચે રમત કારકિર્દી પછી પણ એક નવો અને રોમાંચક અધ્યાય શરૂ થશે.
રોનાલ્ડોના દાવ સામે મેસ્સીનો માસ્ટરસ્ટ્રોક:
આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની કંપની 'CR7 સ્પોર્ટ્સ ઈન્વેસ્ટમેન્ટ્સ' દ્વારા સ્પેનની જ સેકન્ડ-ટાયર ટીમ 'UD અલ્મેરિયા'માં ૨૫ ટકા હિસ્સો ખરીદ્યો હતો. રોનાલ્ડોના આ પગલાં બાદ હવે મેસ્સીએ પણ એ જ લીગની ટીમ 'એલ્ડેન્સ'ના તમામ શેર ખરીદવાની તૈયારી દર્શાવી છે. અલ્મેરિયા અને એલ્ડેન્સ બંને સ્પેનની સેકન્ડ ડિવિઝન લીગમાં રમે છે, જેથી નિવૃત્તિ પછી પણ બંને સ્ટાર્સની ટીમો એકબીજા સામે ટકરાતી જોવા મળશે.
નિયમનકારી મંજૂરી બાદ બનશે એકમાત્ર માલિક:
મેસ્સીના પ્રતિનિધિઓ હાલમાં આ સોદા અંગે ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. આ પ્રસ્તાવિત ટેકઓવરને સ્પેનની હાઈ કાઉન્સિલ ફોર સ્પોર્ટ્સ (CSD) ની સત્તાવાર મંજૂરી મળવી બાકી છે. મંજૂરી મળતાં જ ઈન્ટર મિયામી તરફથી રમતો આ દિગ્ગજ ખેલાડી એલ્ડેન્સ ક્લબનો એકમાત્ર માલિક બની જશે. આ સોદામાં ક્લબમાં શેર ધરાવતું કોલમ્બિયન રોકાણ જૂથ 'TH Soluciones Group' પણ સામેલ છે.
સ્પેનિશ ફૂટબોલમાં મેસ્સીનું વધતું સામ્રાજ્ય:
એલ્ડેન્સ પહેલાં મેસ્સીએ ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ સ્પેનના પાંચમા સ્તરની કતલાન ક્લબ 'UE કોર્નેલા'ને પણ હસ્તગત કરી હતી. કતલોનિયા અને બાર્સેલોના સાથેના પોતાના જૂના સંબંધોને ધ્યાનમાં રાખીને તેણે સ્થાનિક ફૂટબોલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા આ રોકાણ કર્યું હતું. હવે એલ્ડેન્સમાં ૧૦૦ ટકા માલિકી સાથે મેસ્સી સ્પેનિશ ફૂટબોલ સિસ્ટમમાં એક મોટો બિઝનેસ ટાયકૂન બનીને ઉભરશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
