તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 2nd October 2026
કટ્ટર હરીફોનો મહાસંગ્રામ: ૨૦૨૭માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાઈ શકે છે ૬-૬ ધમાકેદાર ODI મુકાબલા, ICC શેડ્યૂલ જાહેર થતાં ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ!
જોહાનિસબર્ગમાં ૧૦ ઓક્ટોબરે હાઈ-વોલ્ટેજ જંગ નક્કી: વર્લ્ડ કપ અને એશિયા કપની રોમાંચક ફોર્મ્યુલાથી ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો સર્જાશે

મુંબઈ, તા.૦૨: વિશ્વ ક્રિકેટના સૌથી મોટો અને ચર્ચિત હરીફાઈ ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન’ના ચાહકો માટે ખુશીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૭માં ક્રિકેટપ્રેમીઓને એક-બે નહીં પરંતુ વન-ડે (ODI) ફોર્મેટમાં પૂરી ૬ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ૨૦૨૭ના મેન્સ વન-ડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ૧૦ ઓક્ટોબરે જોહાનિસબર્ગ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની હાઈ-વોલ્ટેજ મેચની પુષ્ટિ કરવામાં આવી છે.
વર્લ્ડ કપ ૨૦૨૭: ૩ મુકાબલાની રોમાંચક શક્યતા
આગામી ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર A સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. ગ્રુપ સ્ટેજની ૧૦ ઓક્ટોબરની મેચ બાદ જો બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં આગળ વધે છે, તો 'સુપર સેવન' સ્ટેજમાં ૭ નવેમ્બરે કેપટાઉનમાં ફરી એકવાર સામસામે ટકરાઈ શકે છે. આ ઉપરાંત, જો બંને ટીમો નોકઆઉટ રાઉન્ડમાં સક્ષમ સાબિત થઈને સેમીફાઈનલ કે ફાઈનલમાં પહોંચે છે, તો વર્લ્ડ કપમાં જ ત્રીજો મહામુકાબલો શક્ય બનશે.
એશિયા કપ ૨૦૨૭: વધુ ૩ મેચોની ધમાકેદાર ફોર્મ્યુલા
વર્લ્ડ કપ સિવાય ૨૦૨૭માં યોજાનાર એશિયા કપ પણ આ કટ્ટર હરીફો વચ્ચે વધુ ૩ મુકાબલાની તક પૂરી પાડી શકે છે. એશિયા કપના ફોર્મેટ મુજબ ભારત અને પાકિસ્તાન પહેલા ગ્રુપ સ્ટેજમાં અને ત્યારબાદ 'સુપર ફોર' સ્ટેજમાં સામસામે આવી શકે છે. જો બંને ટીમોનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહે તો એશિયા કપની ફાઈનલમાં પણ ભારત-પાક ટક્કર થઈ શકે છે.
પરિણામો અને ક્વોલિફિકેશન પર રહેશે નજર
દરેક ટુર્નામેન્ટમાં સંભવિત ૩-૩ મુકાબલાઓને ગણતરીમાં લેતાં, વર્ષ ૨૦૨૭ ક્રિકેટ ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાનની મેચોથી ધમધમી ઉઠશે. જોકે, ૧૦ ઓક્ટોબરની વર્લ્ડ કપ મેચ નિશ્ચિત છે, જ્યારે બાકીના પ મુકાબલા બંને ટીમોના પ્રદર્શન અને મેચના પરિણામો પર નિર્ભર રહેશે. આ સમાચાર સામે આવતાં જ વિશ્વભરના ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
