<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગોલ્ફ દિગ્ગજ ટાઈગર વુડ્સે ફ્લોરિડામાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો કર્યો સ્વીકાર, પાંચ વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ

કાનૂની સમજૂતી હેઠળ જેલની સજાથી બચ્યા ખેલાડી ટાઈગર વુડ્સ, માર્ચ મહિનામાં ઘર નજીક થયેલા કાર અકસ્માત સાથે જોડાયેલો છે આખો મામલો

ફ્લોરિડા [યુએસ], ૨ સપ્ટેમ્બર : ગોલ્ફના મહાન ખેલાડી ટાઈગર વુડ્સે આ વર્ષે માર્ચમાં ફ્લોરિડામાં પોતાની ધરપકડ સાથે જોડાયેલા કેસમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ઓછો ગંભીર આરોપ સ્વીકારી લીધો છે. એક કાનૂની સમજૂતી અંતર્ગત તેમણે અદાલતમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે, જેનાથી તેમને જેલની સજામાંથી મોટી રાહત મળી ગઈ છે. સીબીએસ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, આ સમજૂતી હેઠળ ૧૫ વખતના મેજર ચેમ્પિયન ટાઈગર વુડ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દંડ પણ ભરવો પડશે અને જો તેઓ આ સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કરશે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ જ્યુપિટર આઈલેન્ડ પર આવેલા તેમના ઘરની નજીક થયેલા એક રોલઓવર કાર અકસ્માત બાદ સામે આવ્યો હતો. આ દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ નોંધ્યું હતું કે ટાઈગર વુડ્સ નશામાં હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા હતા. શરૂઆતમાં તેમની સામે પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અને નશાની હાલતમાં વાહન ચલાવવા તથા કાયદેસરના ટેસ્ટ માટે સહકાર ન આપવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે તેમનો બ્રેથલાઈઝર ટેસ્ટ શૂન્ય આવ્યો હતો, પરંતુ સત્તાવાળાઓનું કહેવું હતું કે તેઓ દવા કે અન્ય કોઈ પદાર્થની અસર હેઠળ હતા. ટાઈગર વુડ્સે પેશાબની તપાસ કરાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

ધરપકડ બાદથી ટાઈગર વુડ્સ મોટાભાગે જાહેરમાં દેખાવાનું ટાળી રહ્યા છે. તેમણે એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની બહાર સારવાર મેળવી રહ્યા હોવાથી ધ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે અને ત્યારબાદ તેઓ પીજીએ ટૂર સિઝનમાં પણ રમ્યા નહોતા. માર્ચની આ દુર્ઘટના ૨૦૦૯ પછી ટાઈગર વુડ્સનો ચોથો જાણીતો કાર અકસ્માત હતો. અગાઉ ૨૦૧૭માં પણ જ્યુપિટર ખાતે વાહન ચલાવતી વખતે પકડાયા બાદ તેમણે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો ગુનો સ્વીકાર્યો હતો અને ૫૦ કલાકની સામુદાયિક સેવા પૂર્ણ કરી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરી ૨૦૨૧માં સધર્ન કેલિફોર્નિયામાં પણ તેમને એક ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં તેમના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જોકે તે ઘટનામાં નશાની કોઈ પુષ્ટિ થઈ નહોતી.

૨૦૨૧ના અકસ્માતથી વિપરીત, માર્ચના અકસ્માત બાદ ટાઈગર વુડ્સને કોઈ શારીરિક ઈજાઓ પહોંચી ન હતી. તેમ છતાં, આ ઘટનાએ ૨૦૨૬ની પીજીએ ટૂર સિઝન દરમિયાન સ્પર્ધાત્મક ગોલ્ફમાં વાપસી કરવાની તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અકસ્માત પહેલા તેઓ પીઠની સર્જરી બાદ ફિટનેસ પર કામ કરી રહ્યા હતા અને ફરીથી મેદાન પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે ટીએલ ફાઇનલ્સમાં પણ ભાગ લીધો હતો અને ૨૦૨૬ના માસ્ટર્સમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હતા.

આ પ્લીબર્ગન અથવા કાનૂની સમજૂતીથી માર્ચના અકસ્માતમાંથી ઉદ્ભવતા ફોજદારી કેસનો અંત આવ્યો છે, જ્યારે ટાઈગર વુડ્સ સામે પાંચ વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી અમલમાં આવી છે.

(12:46 AM IST)