<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ભારતીય બોલરો માટે ફ્લેટ પિચોથી નારાજ ગૌતમ ગંભીર : કહ્યું - 'બેટ અને બોલ વચ્ચે સંતુલન જરૂરી, બોલરોની કારકિર્દી દાવ પર'

ગુવાહાટીમાં 811 રનની રન-ફેસ્ટ બાદ ગંભીરે ઠાલવી વ્યથા - 'આ ક્રિકેટ નથી, ફક્ત બેટિંગ હતી', રેકોર્ડ ચેઝ છતાં બોલરો પ્રત્યે સહાનુભૂતિ દાખવી

નવી દિલ્હી તા.૧૦ : ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ગુવાહાટીમાં 406 રનનો ઐતિહાસિક ચેઝ કરીને ODI ઇતિહાસ રચ્યો હોવા છતાં હેડ કોચ ગૌતમ ગંભીર ખુશ નથી. ગંભીરે ફ્લેટ પિચોને લઈને આકરી ટીકા કરી છે.

 

30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાયેલી બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે 405 રન બનાવ્યા હતા અને ભારતે 43.3 ઓવરમાં રોહિત શર્માની 101 અને શુભમન ગિલની 223 રનની ઐતિહાસિક ઇનિંગથી જીત મેળવી હતી. મેચમાં કુલ 811 રન બન્યા અને એક જ ODI માં પહેલીવાર 5 સદી નોંધાઈ હતી.

 

મેચ બાદ કોમેન્ટેટર પાર્થિવ પટેલ સાથે વાત કરતા ગંભીરે કહ્યું હતું -

 

*"જો હું પ્રામાણિક કહું તો બેટ અને બોલ વચ્ચે થોડી વધુ સ્પર્ધા હોવી જોઈએ. આ ક્રિકેટ નથી, આ તો ફક્ત બેટિંગનું વર્ચસ્વ હતું. આવી પિચો રેકોર્ડ્સ અને ભીડ માટે સારી છે, બ્રોડકાસ્ટર માટે સારી છે, પણ બોલરો માટે નહીં. તમારે બોલરો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, તેમને થોડો સપોર્ટ આપવો જોઈએ."*

 

ગંભીરે વધુમાં ઉમેર્યું હતું કે, બોલરના પ્રદર્શનનું મૂલ્યાંકન ફક્ત રન અને વિકેટથી ન થવું જોઈએ, મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે પોતાની યોજના કેવી રીતે અમલમાં મૂકી તે પણ જોવું જોઈએ. ભારતે આ જીત સાથે સીરિઝમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે.

(4:25 PM IST)