News of Friday, 10th July 2026
ભારતને હરાવવાની મજા જ કંઈક અલગ છે...ટી૨૦
પ્લેયર ઓફ ધ મેચ બનેલા હેરી બ્રૂકે કહ્યું- ‘‘અમારું આગામી લક્ષ્ય હવે ૪-૦થી જીતીને દુનિયાની નંબર-૧ ટીમ બનવાનું છે''

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ સામેની પાંચ મેચોની ટી૨૦ ઇન્ટરનેશનલ સિરીઝમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પ્રવાસી ટીમ સામે ૩-૦થી અજેય લીડ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડની આ જીતના અસલી હીરો તેમના કેપ્ટન હેરી બ્રૂક રહ્યા હતા. ત્રીજી ટી૨૦ મેચમાં માત્ર ૩૫ બોલમાં ૭૯ રનની તોફાની અને વિસ્ફોટક ઇનિંગ રમીને પોતાની ટીમને એકતરફી જીત અપાવનાર ઈંગ્લેન્ડના કેપ્ટનન ‘પ્લેયર ઓફ ધ મેચ'જાહેર કરવામાં આવ્યા હતા. આ શાનદાર વિજય અને સિરીઝ પર કબજો કર્યા બાદ કેપ્ટન હેરી બ્રૂક ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. તેમણે મેચ બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે ટીમ ઇન્ડિયાને હરાવવા અંગે એક મોટું અને રસપ્રદ નિવેદન આપ્યું હતું, જે અત્યારે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે. મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં વાત કરતા કેપ્ટન હેરી બ્રૂકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘હા, આજે રાત્રે મેચ રમવાની અને મેદાન પર બેટિંગ કરવાની ખૂબ જ મજા આવી. ભારત જેવી મજબૂત ટીમને હરાવવું હંમેશા ખૂબ જ સારું લાગે છે, કારણ કે તેઓ ઘણા વર્ષોથી વૈશ્વિક ક્રિકેટમાં એક અત્યંત શક્તિાળી ટીમ રહ્યા છે. ભારત સામે જીત મેળવવી એ કોઈપણ ટીમ માટે ગર્વની વાત હોય છે.'' તેમણે વધુમાં ઉમેર્યું કે, સિરીઝમાં હજી મેચ બાકી છે અને તે પહેલાં જ અમે ભારતીય ટીમ સામે ૩-૦થી અજેય લીડ મેળવી લીધી છે, જેનાથી અમારી ટીમનું મનોબળ ખૂબ જ ઊંચું છે અને આખી ટીમ આ પ્રદર્શનથી અત્યંત ખુશ છે. પોતાની આક્રમક બેટિંગ વિશે ખુલાસો કરતા બ્રૂકે જણાવ્યું કે, મેચ પહેલાં કોચ સાથે થયેલી ખાસ વાતચીતથી તેમને પિચ પર બોલને કયાં અને કેવી રીતે ફટકારવો તેની વ્યૂહરચના બનાવવામાં મોટી મદદ મળી હતી. તેમણે પિચની ગતિ (પેસ)નો યોગ્ય ઉપયોગ કરીને રન મેળવ્યા હતા. જ્યારે હેરી બ્રૂકને પૂછવામાં આવ્યું કે જો ઈંગ્લેન્ડ ભારતને આગામી મેચોમાં હરાવીને ૪-૦ની સરસાઈ મેળવશે તો તે દુનિયાની નંબર વન ટી૨૦ ટીમ બની શકે છે, ત્યારે તેમણે હસતાં હસતાં સ્વીકાર્યું કે, જો હું સાચું કહું તો, દુનિયાની નંબર વન ટીમ બનવું ખૂબ જ શાનદાર બાબત હશે. આ ચોક્કસપણે અમારું આગામી લક્ષ્ય છે. અમે આ સિરીઝમાં અત્યાર સુધી જે આક્રમક પ્રદર્શન કર્યું છે તેને જ આગળ ચાલુ રાખીશું, અને આશા છે કે અમે ૪-૦થી જીત મેળવીશું.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
