તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 2nd October 2026
ફૂટબોલ મહાકુંભ માટે કોલકાતામાં ઘેલું: પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટીમ ભારતમાં, સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે ઐતિહાસિક મુકાબલો
રિયલ મેડ્રિડના વિનિસિયસ જુનિયર સહિતના સુપરસ્ટાર્સ 'બ્લુ ટાઈગર્સ' સામે ટકરાશે: શનિવારે સાંજે સાંજે ૭:૩૦ વાગ્યે ખેલાશે ભારત-બ્રાઝિલ વચ્ચે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ

કોલકાતા, તા.02: ભારતીય ફૂટબોલના ઈતિહાસમાં એક નવી સુવર્ણ ક્ષણ ઉમેરાવા જઈ રહી છે. પાંચ વખતની ફિફા વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વ ફૂટબોલનું પાવરહાઉસ ગણાતી બ્રાઝિલની નેશનલ ટીમ પોતાના ટૂંકા પ્રવાસ માટે ગુરુવારે રાત્રે ભારતીય ધરતી પર આવી પહોંચી છે. કોલકાતા એરપોર્ટ પર ઉતરેલી બ્રાઝિલિયન ટીમનું હજારો ક્રેઝી ચાહકો દ્વારા અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના 'બ્લુ ટાઈગર્સ' અને બ્રાઝિલની સિનિયર નેશનલ ટીમ વચ્ચે પહેલી જ વાર સામસામે ઐતિહાસિક ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ રમાવા જઈ રહી છે.
આ શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે કોલકાતાના વિશ્વપ્રસિદ્ધ સોલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ) ખાતે આ મહામુકાબલાની પહેલી કિક વાગશે, જેને જોવા માટે અત્યારથી જ ફૂટબોલ પ્રેમીઓમાં અદભુત રોમાંચ જોવા મળી રહ્યો છે.
વિશ્વ રેન્કિંગ ૫ સામે ૧૩૮ નો રોમાંચક સંગ્રામ
ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ૫મા ક્રમે રહેલી બ્રાઝિલની ટીમ સામે ૧૩૮મી રેન્ક ધરાવતી ભારતીય ટીમ પોતાની તાકાત અજમાવશે. બ્રાઝિલની આ ટીમમાં રિયલ મેડ્રિડ, આર્સેનલ અને પીએસજી (PSG) જેવી વિશ્વની ટોચની ક્લબો તરફથી રમતા સુપરસ્ટાર ખેલાડીઓ સામેલ છે. રિયલ મેડ્રિડનો આક્રમક ફોરવર્ડ વિનિસિયસ જુનિયર આ ટૂરનો મુખ્ય આકર્ષણનો ક્રેઝ બન્યો છે.
ભારતીય ટીમનું માર્ગદર્શન હેડ-કોચ ખાલિદ જમિલ કરી રહ્યા છે, જ્યારે બ્રાઝિલની ટીમ જાણીતા હેડ-કોચ કાર્લો એન્સલોટીના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરશે.
બંને ટીમની સ્ટાર સ્ક્વોડ પર એક નજર:
• ભારત (બ્લુ ટાઈગર્સ): ગુરુપ્રીત સિંહ સંધુ (ગોલકીપર), અનવર અલી, અનિરુદ્ધ થાપા, સહલ અબ્દુલ સામદ, મનવીર સિંહ અને રાયન વિલિયમ્સ.
• બ્રાઝિલ: વિનિસિયસ જુનિયર (રિયલ મેડ્રિડ), એન્ડ્રિક (રિયલ મેડ્રિડ), બ્રુનો ગિમારેઝ (આર્સેનલ), ગેબ્રિયેલ માર્ટીનેલી (આર્સેનલ), ગેબ્રિયલ મેગલહેઝ (આર્સેનલ) અને માર્કિન્યોસ (પીએસજી).
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
