<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ફીફા વર્લ્‍ડકપમાં આભ ફાટયું: બ્રાઝિલ ટુર્નામેન્‍ટમાંથી બહાર, નેમારે નિવૃતિ લીધી

૧૬ વર્ષની કેરીયરમાં ૧૨૯ મેચમાં ૮૦ ગોલ સાથે સફળતમ ગોલસ્‍કોરર બન્‍યા : કવાર્ટર ફાઇનલમાં હાર સાથે બ્રાઝિલની વિદાય, કરોડો ફેન્‍સના દિલ તૂટયા

નવી દિલ્‍હીઃ બ્રાઝિલના સ્‍ટાર અને વિશ્વના દિગ્‍ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્‍ટ્રીય ફૂટબોલમાંથી સંન્‍યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્‍યો છે. ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૬ ના રાઉન્‍ડ ઓફ-૧૬ મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો ૨-૧ થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્‍ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ ૩૪ વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરેથી નિવળત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું હતું કે, ‘‘મેં મારી પૂરેપૂરી કોશિશ કરી. મારો પ્રવાસ જ્‍યાંથી શરૂ થયો હતો, આજે ત્‍યાં જ પૂરો થઈ ગયો છે. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.''

નેમારના આ આખરી મુકાબલામાં એક અદભુત સંયોગ પણ જોવા મળ્‍યો હતો. તેમણે ૯ ઓગસ્‍ટ ૨૦૧૦ના રોજ અમેરિકા સામે ‘મેટલાઈફ સ્‍ટેડિયમ' ખાતે પોતાની પ્રથમ આંતરરાષ્‍ટ્રીય મેચ રમીને કરિયરની શરૂઆત કરી હતી. લગભગ ૧૬ વર્ષ બાદ, બ્રાઝિલની જર્સીમાં તેમણે પોતાની છેલ્લી મેચ પણ આ જ સ્‍ટેડિયમમાં રમીને ફૂટબોલ જગતને અલવિદા કહ્યું હતું. પોતાની છેલ્લી મેચમાં નેમાર જમણા પગની પિંડલી (રાઈટ કાફ) ની ઈજાના કારણે શરૂઆતની પ્‍લેઈંગ ૧૧માં સામેલ નહોતા. જોકે, તેઓ બેન્‍ચ પરથી મેદાનમાં આવ્‍યા હતા અને મેચની છેલ્લી મિનિટોમાં પેનલ્‍ટી દ્વારા શાનદાર ગોલ પણ કર્યો હતો, પરંતુ તે બ્રાઝિલને હારથી બચાવી શકયો નહોતો.

છેલ્લા કેટલાક વર્ષોથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા. આ આખા વર્લ્‍ડ કપ દરમિયાન પણ તેઓ ફિટનેસની સમસ્‍યાઓ સામે ઝઝૂમતા રહ્યા અને બ્રાઝિલની પાંચ મેચોમાંથી માત્ર બે જ મેચ રમી શકયા હતા. ગ્રુપ સ્‍ટેજમાં સ્‍કોટલેન્‍ડ સામેની મેચમાં પણ તેઓ માત્ર ૧૫ મિનિટ જ મેદાન પર વિતાવી શકયા હતા. ઈજાઓએ તેમના પ્રદર્શનને ઘણું સીમિત કરી દીધું હતું.

 

(10:55 AM IST)