<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ફીફા વર્લ્ડ કપ ફાઇનલનો રોમાંચ ચરમસીમાએ: શશી થરૂરે કહ્યું – "કેરળમાં સ્પેન કરતાં આર્જેન્ટિનાના ચાહકોનું પાગલપન વધુ, જીત લિયોનેલ મેસ્સીની જ થશે!"

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ન્યૂ યોર્કના મેદાનમાં જંગ: વર્લ્ડ ક્લાસ મેચ જોઈને ભારતીય યુવાનો ફૂટબોલમાં વૈશ્વિક મંચ સુધી પહોંચે તેવી થરૂરની આશા

તિરુવનંતપુરમ : સમગ્ર વિશ્વમાં અત્યારે ફૂટબોલનો તાવ સાતમા આસમાને પહોંચી ગયો છે. ન્યૂ યોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાનારી ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) મહાફાઇનલને લઈને વૈશ્વિક સ્તરે ભારે ઉત્સાહ છે. આ મહામુકાબલામાં યુરોપિયન ચેમ્પિયન સ્પેન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામસામે ટકરાવાના છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે ભારત અને ખાસ કરીને ફૂટબોલના ગઢ ગણાતા કેરળના ચાહકોના ક્રેઝ અંગે એક ખૂબ જ રસપ્રદ નિવેદન આપ્યું છે.

"કેરળમાં 'લા અલ્બિસેલેસ્ટે' નો દબદબો":

પત્રકારો સાથે વાતચીત કરતા શશી થરૂરે હસતા મુખે સ્વીકાર્યું હતું કે, "હું કોઈ ફૂટબોલ નિષ્ણાત નથી, પરંતુ એક વાત બહુ સારી રીતે જાણું છું કે કેરળમાં સ્પેનના પ્રશંસકો કરતાં આર્જેન્ટિના અને લિયોનેલ મેસ્સીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. એટલે કેરળના લોકો કોને સપોર્ટ કરી રહ્યા છે તે કહેવાની જરૂર નથી. હું હાલ સંસદ સત્ર માટે દિલ્હી જઈ રહ્યો છું અને મેચના પરિણામો વખતે અહીં થનારા હાઈ-વોલ્ટેજ ડ્રામાથી બચવાનો પ્રયાસ કરીશ! પરંતુ આ એક અસાધારણ અને યાદગાર મેચ બની રહેશે." તેમણે ઉમેર્યું કે ભારતીયો માટે દુઃખની વાત એ છે કે આ સ્તરે આપણી પોતાની રાષ્ટ્રીય ટીમ નથી, પણ આશા છે કે આ મેચ જોઈને દેશના યુવાનો પ્રેરિત થશે.

ફાઇનલ સુધીનો રોમાંચક સફર:

વર્લ્ડ કપની આ ફાઇનલ ઐતિહાસિક ટક્કર સાબિત થવાની છે. ૨૦૧૦ પછી સ્પેનની ટીમ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપનો તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચવા માટે કટિબદ્ધ છે.

આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ૨-૧ થી રોમાંચક જીત મેળવી હતી, જેમાં એન્ઝો ફર્નાન્ડીઝ અને સ્ટોપેજ-ટાઇમમાં લૌટારો માર્ટિનેઝના વિનિંગ ગોલે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. બીજી તરફ, સ્પેનની યુવા અને આક્રમક ટીમે મજબૂત ફ્રાન્સને ૨-૦ થી પરાસ્ત કરીને ફાઇનલમાં ભવ્ય એન્ટ્રી કરી છે. હવે રવિવારે રાત્રે ફૂટબોલના આ બે મહાસમર્થ દેશો વચ્ચે કોણ બાજી મારે છે તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

(11:41 PM IST)