તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ત્રીજી અને નિર્ણાયક મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત
ઈંગ્લેન્ડની ટીમ પાછલી મેચ 4 વિકેટથી જીતી હોવાથી તેમના મનોબળ ઉંચા છે: ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટોસ સમયે જ કરશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચોની સીરિઝ રમાઈ રહી છે. અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ ગઈ છે, જેમાં ઈંગ્લેન્ડની ટીમ સરસાઈ ધરાવે છે. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ મંગળવારે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટની છેલ્લા કેટલાક સમયથી એવી પરંપરા રહી છે કે કોઈપણ મેચ પહેલા, તેઓ એક દિવસ અગાઉ જ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દે છે, જેથી છેલ્લી ઘડી સુધી કોઈ સસ્પેન્સ ન રહે. ત્રીજી T20 માટે પણ ઈંગ્લેન્ડે ટીમ જાહેર કરી છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે ટીમે પાછલી મેચમાં જીત મેળવી હતી, તે જ ટીમ આ મેચમાં પણ રમતી જોવા મળશે. ઈંગ્લેન્ડની ટીમ પાછલી મેચ 4 વિકેટથી જીતી હોવાથી તેમના મનોબળ ઉંચા છે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટોસ સમયે જ કરશે.
ભારત સામેની બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા, જેથી ઈંગ્લેન્ડને જીતવા માટે 191 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા, પરંતુ અર્શદીપ સિંહે ઈનિંગના પ્રથમ બોલ પર ફિલ સોલ્ટને 0 રન પર આઉટ કર્યા હતા. આ જ ઓવરના પાંચમા બોલ પર અર્શદીપે જોસ બટલરને પણ આઉટ કર્યા હતા, તેઓ પણ ખાતું ખોલાવી શક્યા ન હતા. માત્ર 1 રન પર ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હેરી બ્રુક અને જેકબ બેથેલે ટીમને સંભાળી હતી. હેરી બ્રુકે 15 બોલમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે જેકબ બેથેલે 46 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટીમે આ મેચ 4 વિકેટથી જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને જોશ ટંગ
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
