<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

મૈયા બાઉચિયરની તોફાની સદીથી ઈંગ્લેન્ડે મહિલા ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ: આયર્લેન્ડ સામે સૌથી મોટો રન ચેઝ કરીને મેળવી ભવ્ય જીત

સોફિયા ડંકલી અને મૈયા બાઉચિયર વચ્ચે ૧૪૩ રનની વિસ્ફોટક ભાગીદારી; આયર્લેન્ડના ૨૮૧ રનના વિશાળ લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે માત્ર ૩૮.૧ ઓવરમાં જ પાર કરી લીધો

લેસ્ટર : ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામે રમાયેલી વનડે મેચમાં પોતાના વનડે ઈતિહાસનો સૌથી સફળ અને મોટો રન ચેઝ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઓપનર બેટ્સમેન મૈયા બાઉચિયરની જ્વલંત સદીના બળે ઈંગ્લેન્ડે ૨૮૨ રનના લક્ષ્યાંકને માત્ર ૩૮.૧ ઓવરમાં જ ૬ વિકેટે હાંસલ કરી લીધો હતો. લેસ્ટરના ગ્રેસ રોડ મેદાન પર રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું.

 

મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૨૮૧ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આયર્લેન્ડ તરફથી એમી હન્ટર (૬૨) અને ગેબી લુઈસ (૬૯) વચ્ચે બીજી વિકેટ માટે ૧૩૬ રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. અંતિમ ઓવરોમાં લીઆ પોલ અને રેબેકા સ્ટોકેલ (૫૪*) એ માત્ર ૭૧ બોલમાં ૮૪ રન ઉમેરીને આયર્લેન્ડને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

 

ઓપનરોનો વિસ્ફોટ અને કેપ્સી-કેમ્પનું ફિનિશિંગ

 

૨૮૨ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને મૈયા બાઉચિયર અને સોફિયા ડંકલીએ તુફાની શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ માત્ર ૧૧૮ બોલમાં ૧૪૩ રનની આક્રમક ભાગીદારી કરી હતી. ડંકલીએ ૬૧ બોલમાં ૭૩ રન બનાવ્યા હતા, જ્યારે મૈયા બાઉચિયરે ૯૫ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૦૪ રનની યાદગાર ઇનિંગ રમી હતી.

 

ઓપનરો આઉટ થયા બાદ એલિસ કેપ્સી (૪૧*) અને ફ્રેયા કેમ્પ (૩૬) એ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. કેમ્પે માત્ર ૨૨ બોલમાં ૬ ચોગ્ગા ફટકારીને આયર્લેન્ડના બોલરોને બૅકફૂટ પર ધકેલી દીધા હતા. અંતે એલિસ કેપ્સીએ ચોગ્ગો ફટકારીને ૩૯મી ઓવરમાં જ ઈંગ્લેન્ડને એક યાદગાર અને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

(6:33 PM IST)