<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ઇંગ્‍લેન્‍ડ સાવધાન, કાલે મેદાને ઉતરશે ભારતનું ‘વાવાઝોડું': વરસાદના વિઘ્‍ન બાદ હવે મેનચેસ્‍ટરમાં ખરાખરીનો મહાજંગ

કુદરતે ફેરવ્‍યું હતું પાણી, હવે ટીમ ઇન્‍ડિયા બ્રિટિશરોને ધૂળ ચટાડવા સજ્જ; શું કાલે વિસ્‍ફોટક ‘વૈભવ' નવો ઇતિહાસ રચી ઇંગ્‍લેન્‍ડના છોતરાં ફાડશે? સાંજે ૭ વાગ્‍યે રોમાંચની પરાકાષ્‍ઠા

મેનચેસ્‍ટર : ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલી ટી૨૦ શ્રેણીમાં હવે બરાબરનો ગરમાવો આવી ગયો છે, અને આવતીકાલે મેનચેસ્‍ટરના મેદાન પર ક્રિકેટ યુદ્ધ જોવા મળશે. પ્રથમ ટી૨૦ મેચમાં ભારતીય બેટર્સે ઇંગ્‍લેન્‍ડના બોલરોની લાઇન-લેન્‍થ બગાડી નાખી હતી, પરંતુ ભારતીય ઇનિંગ્‍સ પૂરી થતાં જ વરસાદે વિલન બનીને મેચ ધોઈ નાખી હતી.

કુદરતે ભલે ઇંગ્‍લેન્‍ડને પ્રથમ મેચમાં બચાવી લીધું હોય, પરંતુ આવતીકાલે સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થનારા બીજા ટી૨૦ મુકાબલામાં ટીમ ઇન્‍ડિયા બ્રિટિશરો પર તૂટી પડવા માટે લોહીતરસ્‍યા સિંહની જેમ તૈયાર બેઠી છે. પ્રથમ મેચ રદ્દ થવાના કારણે પેદા થયેલી નકામી શાંતિ બાદ હવે મેનચેસ્‍ટરના ઓલ્‍ડ ટ્રેફોર્ડ સ્‍ટેડિયમમાં અસલી જ્‍વાળામુખી ફાટશે, જેમાં બંને ટીમો શ્રેણીમાં પ્રભુત્‍વ મેળવવા માટે પોતાની પૂરી તાકાત ઝોંકી દેશે.

આ મહામુકાબલા પહેલા ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના છે, કારણ કે ભારત પોતાના સૌથી ઘાતક અને વિસ્‍ફોટક હથિયાર એવા ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું હોવાની અટકળો તેજ થઈ છે. આઈપીએલમાં બોલરોની ધજ્‍જીયા ઉડાવનાર વૈભવ જો આવતીકાલે પ્‍લેઇંગ-ઇલેવનમાં સામેલ થશે, તો ઇંગ્‍લેન્‍ડના પેસ એટેકના છોતરાં ઉડી જવાના નક્કી છે. સોશિયલ મીડિયા પર ચાહકો ઈચ્‍છી રહ્યા છે કે આ ‘વંડર બોય'ને કાલે જ કેપ આપવામાં આવે જેથી તે સચિન તેંડુલકરનો સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ રચી શકે. ઇંગ્‍લેન્‍ડના ઘરમાં ઘૂસીને તેમને જ નેસ્‍તનાબૂદ કરવા માટે ભારતીય મેનેજમેન્‍ટ કાલે વૈભવ સૂર્યવંશી નામના બ્રહ્માષાનો ઉપયોગ કરે છે કે નહીં, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(3:46 PM IST)