તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
૪૪ વર્ષનો દુકાળ દોડીને ખતમ કર્યોઃ સાવન બરવાલે મેરેથોનમાં સિલ્વર જીતી રચ્યો ઇતિહાસ
૧૯૮૨ બાદ પહેલીવાર એશિયન ગેમ્સની મેરેથોનમાં ભારતને મેડલઃ સાવનની ઐતિહાસિક દોડે દેશનું ગૌરવ વધાર્યું ૨:૧૧:૩૭ના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ, જાપાનના યામાશિતા પછી બીજા ક્રમે પહોંચ્યો ભારતીય દોડવીર

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-૨૦૨૬માં ભારતીય એથ્લેટિક્સ માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારતીય દોડવીર સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ૪૪ વર્ષથી ચાલ્યો આવતો ભારતનો મેડલ દુકાળ પૂરો કર્યો છે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી મેરેથોનમાં સાવને ૪૨.૧૯૫ કિલોમીટરનું અંતર ૨ કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડમાં પૂર્ણ કરી બીજું સ્થાન મેળવ્યું હતું.
સાવન બરવાલે માત્ર સિલ્વર મેડલ જ નહીં, પરંતુ પોતાના નામે રહેલો રાષ્ટ્રીય રેકોર્ડ પણ વધુ સુધાર્યો છે. આ પહેલાં તેમણે રોટરડેમ મેરેથોનમાં ૨ કલાક ૧૧ મિનિટ ૫૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ૨:૧૧:૩૭નો સમય નોંધાવીને તેમણે પોતાના જ રેકોર્ડમાં ૨૧ સેકન્ડનો સુધારો કર્યો છે.
મેરેથોનની શરૂઆતથી જ સાવન અગ્રણી દોડવીરોના જૂથમાં રહ્યા હતા. રેસ આગળ વધતી ગઈ તેમ તેમણે પોતાની ગતિ જાળવી રાખી અને અંતિમ તબક્કામાં પણ બીજું સ્થાન જાળવી રાખ્યું. જાપાનના ઇચિતાકા યામાશિતાએ ૨:૧૦:૪૯ના સમય સાથે સુવર્ણ મેડલ જીત્યો હતો, જ્યારે સાવન ૨:૧૧:૩૭ સાથે બીજા ક્રમે રહ્યા.
ભારતે એશિયન ગેમ્સમાં છેલ્લે ૧૯૮૨ની દિલ્હી એશિયન ગેમ્સમાં મેરેથોનમાં મેડલ જીત્યો હતો. ત્યારથી ચાર દાયકાથી વધુ સમય સુધી ભારતને આ સ્પર્ધામાં પોડિયમ મળ્યું નહોતું. સાવન બરવાલની ઐતિહાસિક દોડે હવે આ લાંબી રાહનો અંત લાવી દીધો છે.
સાવન અગાઉ ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ મીટર જેવી ટ્રેક સ્પર્ધાઓમાં પણ દોડી ચૂક્યા છે. ૨૦૨૬માં મેરેથોન તરફ વળ્યા બાદ તેમણે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો અને હવે એશિયન ગેમ્સના મંચ પર રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીતીને ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.(૪૧.૯)
કબડ્ડીમાં આજે બે ગોલ્ડ કે બે સિલ્વર પાકા
એશિયન ગેમ્સમાં ભારતની પૂરૂષ અને મહિલા કબડ્ડી ટીમો આજે ઇરાન સામે ફાઇનલમાં ઉતરશે. જો બન્ને ટીમો જીતશે તો ગોલ્ડ અને હારશે તો સિલ્વર મેડલ મળશે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
