<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દુલીપ ટ્રોફી ફાઈનલ: શાનદાર બેટિંગ બાદ દેવદત્ત પડિક્કલની નાની ભૂલ મોંઘી પડી, હેલ્મેટ પર હાથ મૂકી સ્વીકારી પોતાની ગફલત

અડધી સદી ફટકાર્યા બાદ મુકેશ કુમારની ઓવરમાં બિગ શૉટ રમવાની લાલચમાં વિકેટ ગુમાવી: સાઉથ ઝોનની મુશ્કેલીઓ વધી

ચેન્નઈ તા.08: ભારતીય ક્રિકેટમાં તાજેતરમાં પોતાના બેટથી રનનો ધોધ વહાવનાર યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે ચેન્નઈમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફીની અત્યંત રોમાંચક ફાઇનલ મેચમાં ફરી એકવાર શાનદાર ફોર્મની ઝલક દેખાડી હતી. શ્રીલંકા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતનાર પડિક્કલે ફાઈનલ મેચમાં પણ સાઉથ ઝોન માટે જવાબદારી સંભાળીને અડધી સદી ફટકારી હતી. જોકે, અડધી સદી પૂરી કર્યા બાદ તે મોટી ઇનિંગ્સને સદીમાં ફેરવી શક્યો નહોતો અને એક નાની બેજવાબદાર ભૂલના કારણે તેણે પોતાની કિંમતી વિકેટ ગુમાવી દેવી પડી હતી.

 

મેચ દરમિયાન ઈસ્ટ ઝોનના ઘાતક પેસ બોલર મુકેશ કુમારની બોલિંગ સામે પડિક્કલે સાવચેતીથી રમીને ૧૦૪ બોલમાં ૪ આકર્ષક ચોગ્ગાની મદદથી ૬૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે નારાયણ જગદીશન સાથે ૬૦ રનની અને શેખ રાશીદ સાથે ૫૬ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. પરંતુ, ઇનિંગ્સના એક તબક્કે બિનજરૂરી મોટો શૉટ (બિગ શૉટ) રમવાની લાલચમાં તેણે મુકેશ કુમારના બોલ પર ફિલ્ડ પ્લેસમેન્ટની પરવા કર્યા વગર ફ્લિક શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, ડીપ સ્ક્વેર લેગ પર ઊભેલા સબસ્ટિટ્યૂટ ફિલ્ડર ડી. પી. દાસે તેનો સરળ કેચ પકડી લીધો હતો.

 

આઉટ થઈને પેવેલિયન તરફ પાછા ફરતી વખતે પડિક્કલે પોતાની ભૂલનો અહેસાસ થતાં પોતાના હેલ્મેટ પર ડાબો હાથ મૂકીને જાણે પોતાની આ ભુલ કબૂલી હતી. બીજી તરફ, દુલીપ ટ્રોફીની આ પાંચ દિવસીય ફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોનની સ્થિતિ અત્યંત મજબૂત બનતી જઈ રહી છે, કારણ કે પ્રથમ દાવમાં ઈસ્ટ ઝોને કેપ્ટન ઈશાન કિશનના શાનદાર ૨૭૦ રન અને કુમાર કુશાગ્રના ૧૦૧ રનની મદદથી વિશાળ ૭૦૮ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો છે. સાઉથ ઝોન માટે હવે મેચમાં ટકી રહેવા આગામી ઇનિંગ્સમાં અન્ય બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક રમવું પડશે.

(5:42 PM IST)