તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ધોનીના એક નિર્ણયથી ક્રિકેટ જગતમાં મોટો ધડાકો: 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમવાની ના પાડી, ૨૦૨૭ આઈપીએલમાં રમવા સામે સવાલોના વાદળો!
માહીની સ્પષ્ટતા: 'રમીશ તો પૂરી ૨૦ ઓવર વિકેટકીપિંગ કરીશ, ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમું', ૪૫ વર્ષની ઉંમરે ફિટનેસ બનશે સૌથી મોટો પડકાર

ચેન્નઈ | તા.૦૩: ભારતીય ક્રિકેટના મહાન પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પોતાની કારકિર્દીને લઈને એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથ સાથેની ખાસ વાતચીતમાં ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે પછીની આઈપીએલ સીઝન્સમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' (Impact Player) રૂલ હેઠળ નહીં રમે. ધોનીના આ નિર્ણયથી ૨૦૨૭ ની આઈપીએલમાં તેના રમવાને લઈને અનિશ્ચિતતા અને સસ્પેન્સ બેવડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ૪૫ વર્ષીય ધોનીએ ૨૦૧૯-૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ૨૦૨૩ માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને પાંચમું આઈપીએલ ટાઈટલ અપાવ્યા બાદ તે નિવૃત્ત થવા માંગતો હતો, પરંતુ કરોડો ચાહકોના આગ્રહને કારણે તેણે રમત ચાલુ રાખી હતી. આઈપીએલના 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમથી તેના વર્કલોડ પર દબાણ ઓછું રહેતું હતું અને તેનાથી તેની આઈપીએલ કારકિર્દી લંબાઈ હતી. પરંતુ હવે ધોનીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે જો તે રમશે તો પૂર્ણકાલીન વિકેટકીપર તરીકે જ મેદાનમાં ઉતરશે.
સુબ્રમણ્યમ બદરીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિગત શેર કરતા જણાવ્યું હતું કે, "ધોનીએ મને અંગત રીતે કહ્યું છે કે તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે. તે મેચમાં રમશે તો આખી ઈનિંગ્સમાં પૂરી ૨૦ ઓવર વિકેટકીપિંગ કરશે." જોકે, બદરીનાથ અને ટીમના પૂર્વ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ બંનેનું માનવું છે કે ૪૫ વર્ષની વયે આખી મેચ દરમિયાન વિકેટકીપિંગ કરવી અને ફિટનેસ જાળવી રાખવી એ ધોનીના શરીર માટે સૌથી મોટો પડકાર બની રહેશે.
CSK ની ટીમે ૨૦૨૪ ની સીઝન પહેલાં જ કેપ્ટનશીપની બાગડોર ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. જો ધોની ફુલ-ટાઈમ વિકેટકીપર તરીકે જ રમવા પર અડગ રહેશે, તો ૨૦૨૭ ની આઈપીએલ સીઝન માટે તેની ફિટનેસ અને ઉપલબ્ધતા અંગે સીએસકે મેનેજમેન્ટે લાંબી રાહ જોવી પડી શકે છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
