તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
વાનખેડેમાં ગુંજશે ‘ધોની-ધોની’! MI સામેના મહાજંગ પહેલા ચાહકો માટે સૌથી મોટા સમાચાર, ઈજા બાદ મેદાનમાં પરત ફરશે ‘થાલા’
પગની ઈજાને માત આપી એમએસ ધોની CSK ટીમ સાથે મુંબઈ પહોંચ્યો; રુતુરાજ ગાયકવાડની ટીમ મુસીબતમાં, શું ધોનીની એન્ટ્રીથી બદલાશે ચેન્નાઈનું નસીબ?

મુંબઈ: IPL 2026 માં અત્યાર સુધી જે ક્ષણની કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની આગામી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે મેદાનમાં ઉતરે તેવી પ્રબળ શક્યતા છે. સીઝનની શરૂઆતમાં પગની ઈજાને કારણે બહાર રહેલા ધોનીએ હવે ટીમ સાથે મુંબઈમાં ડેરો નાખ્યો છે, જે CSK ના ડગઆઉટ અને ચાહકો બંને માટે બૂસ્ટર ડોઝ સમાન છે.
ફિટનેસ પર માઈક હસીનું મોટું અપડેટ
ધોનીએ ગયા અઠવાડિયે હૈદરાબાદમાં સખત પ્રેક્ટિસ કરી હતી. ટીમના બેટિંગ કોચ માઈક હસીએ હકારાત્મક સંકેત આપતા જણાવ્યું છે કે, "ધોની પોતાની દોડ અને ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તે ધીમે-ધીમે તેની જૂની લયમાં પરત ફરી રહ્યો છે." વાનખેડે સ્ટેડિયમ ધોની માટે હંમેશા ખાસ રહ્યું છે, અને અહીંથી જ તે પોતાની આ સીઝનની પ્રથમ મેચ રમીને વાપસી કરી શકે છે.
CSK માટે જીત અનિવાર્ય
કેપ્ટન રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલ પર ૭મા સ્થાને ફેંકાઈ ગઈ છે. છેલ્લી મેચમાં મળેલી હાર બાદ ટીમ પર દબાણ વધ્યું છે. આવા કપરા સમયે ધોનીની હાજરી મેદાન પર માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પણ એક માર્ગદર્શક તરીકે પણ ટીમને મજબૂતી આપશે. મુંબઈ સામેની મેચ હંમેશા પ્રતિષ્ઠાનો જંગ હોય છે, ત્યારે ધોનીનું આગમન મેચનું પાસું પલટી શકે છે.
ટીમમાં મોટા ફેરફારના સંકેત
એક તરફ ધોનીની વાપસીના સમાચાર છે, તો બીજી તરફ CSK ને એક ઝટકો પણ લાગ્યો છે. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આગામી કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઉર્વિલ પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગ CSK ની લથડતી બેટિંગ લાઇન-અપને સ્થિરતા આપી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે શું 'કેપ્ટન કૂલ'ની એન્ટ્રીથી ચેન્નાઈ સુપર કિંગ્સ ફરીથી જીતના ટ્રેક પર પરત ફરશે કે કેમ?
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
