<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

દિલ્‍હીને નબળી ફિલ્ડિંગ અને કેચ છોડવાન ભારે પડયાઃ મેચ હર્યા

અક્ષર પટેલની કેપ્ટનસીમાં દિલ્હી હાર્યુઃ ચેન્‍નઇએ પોતાની પહેલી જીત નોંધાવી

ચેન્નાઇઃ અહીં  એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 18મી રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સને 23 રને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે આ હાર માટે નબળા ફિલ્ડિંગ પ્રદર્શનને જવાબદાર ગણાવ્યું હતું. 213 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 189 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે આ સીઝનમાં પોતાનું વિજયી ખાતું ખોલાવ્યું છે, જ્યારે દિલ્હી માટે આ સતત બીજી હાર છે.

 

મેચ બાદ વાત કરતા કેપ્ટન અક્ષર પટેલે સ્વીકાર્યું હતું કે મહત્વના તબક્કે કેચ છોડવા અને રન-આઉટની તકો ગુમાવવી ટીમને ભારે પડી હતી. ખાસ કરીને સંજુ સેમસન જેવા આક્રમક બેટ્સમેનને જીવનદાન આપવું જોખમી સાબિત થયું. દિલ્હીના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વેણુગોપાલ રાવે પણ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું હતું કે સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ પછી એક જ ઓવરમાં રન-આઉટની તક અને સેમસનનો કેચ છોડવો એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ ભૂલોનો ફાયદો ઉઠાવી સેમસને માત્ર 56 બોલમાં 115 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેના કારણે ચેન્નાઈ 212 રનનો સ્કોર ખડકી શક્યું હતું.

 

બેટિંગમાં દિલ્હીની શરૂઆત આક્રમક રહી હતી. પાથુમ નિસાંકાએ 41 અને કે.એલ. રાહુલે 18 રન ફટકારી મજબૂત પાયો નાખ્યો હતો, પરંતુ આઠ ઓવરના ગાળામાં માત્ર 15 રન ઉમેરીને ટીમે 4 મહત્વની વિકેટ ગુમાવી દેતા મધ્યક્રમ વેરવિખેર થઈ ગયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સે 60 રનની લડાયક અર્ધસદી ફટકારીને આશા જગાડી હતી, પરંતુ તેને અન્ય છેડેથી પૂરતો સહયોગ મળ્યો નહીં. મેચના અંતિમ તબક્કે સ્ટબ્સને ગ્લવ્સ બદલવાની મંજૂરી ન મળતા અમ્પાયર સાથેની દલીલોએ પણ વિવાદ સર્જ્યો હતો. દિલ્હી માટે જેમી ઓવરટન સૌથી મોટો પડકાર સાબિત થયો હતો, જેણે 18 રન આપી 4 વિકેટ ઝડપી દિલ્હીની બેટિંગ લાઈન-અપને તોડી નાખી હતી.

 

નિષ્ણાતોના મતે, અક્ષર પટેલની કેપ્ટનસી હેઠળ દિલ્હીની ટીમ સંતુલિત હોવા છતાં દબાણની ક્ષણોમાં એકાગ્રતા ગુમાવી રહી છે. આ અગાઉ ચેતેશ્વર પૂજારા જેવા વરિષ્ઠ ખેલાડીઓએ પણ અક્ષરને મેદાન પર વધુ પડતા રિલેક્સ રહેવા સામે સાવધ કર્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સ માટે ટુર્નામેન્ટમાં પરત ફરવા માટે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવી અનિવાર્ય છે. ટીમ આગામી મેચોમાં ફિલ્ડિંગ અને મધ્યક્રમની બેટિંગની ક્ષતિઓ સુધારીને મેદાનમાં ઉતરે તે અત્યંત જરૂરી છે.

(4:08 PM IST)