તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 30th September 2026
૨૩ વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર ક્રિકેટનો સૌથી મોટો કુંભમેળો: ગુરુવારે ૨૦૨૭ ODI વર્લ્ડ કપના શિડ્યુલની સત્તાવાર ઘોષણા, ટિકિટ બેલેટનો ધમાકેદાર પ્રારંભ
રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આખરી વર્લ્ડ કપ જીતવાનું સોનેરી સ્વપ્ન; દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્તપણે ૫૭ મહામુકાબલાની કરશે મેજબાની

કેપટાઉન : આફ્રિકાના આંગણે ૨૩ વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર એકદિવસીય ક્રિકેટના મહાકુંભનું બ્યુગલ વાગવા જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ગુરુવારે દક્ષિણ આફ્રિકાના સુંદર શહેર કેપટાઉનમાં સ્થિત 'Zeitz Museum of Contemporary Art Africa' ખાતે યોજાનારા એક અત્યંત ભવ્ય અને રોમાંચક સમારોહમાં ૨૦૨૭ના પુરુષ ODI વર્લ્ડ કપના શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરશે. ભારતીય ચાહકો આ ઐતિહાસિક પળનું રાત્રે ૮:૩૦ વાગ્યાથી JioHotstar અને Star Sports Network પર સીધું પ્રસારણ નિહાળી શકશે. આ કાર્યક્રમની સાથે જ ૧૪ દેશો વચ્ચે ખેલાનારા આ મહાયુદ્ધ માટે બરાબર એક વર્ષની ઉંધી ગણતરી શરૂ થઈ જશે. આ મેગા ટુર્નામેન્ટ ૨ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૭ દરમિયાન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના ૧૨ વૈવિધ્યસભર સ્ટેડિયમોમાં યોજાશે.
૧૨ મેદાનો, ૫૭ મેચો અને વિશ્વભરના ચાહકો માટે ટિકિટ બેલેટનો પ્રારંભ
શિડ્યુલની જાહેરાતની સાથે જ ક્રિકેટપ્રેમીઓ માટે વિશ્વવ્યાપી ટિકિટ બેલેટ (ડ્રો પ્રક્રિયા)નો ધમાકેદાર પ્રારંભ થશે, જે ૧ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે. ચાહકો દરેક મેચ માટે પ્રતિ શ્રેણી ચાર ટિકિટ સુધી અરજી કરી શકશે અને જ્યાં માંગ વધુ હશે ત્યાં પારદર્શક રેન્ડમાઈઝ્ડ ડ્રો દ્વારા ટિકિટ ફાળવવામાં આવશે. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન તરીકે સીધો પ્રવેશ મળ્યો છે, જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ રેન્કિંગના આધારે સીધા ક્વોલિફાય થયા છે. બાકીની ૪ જગ્યાઓ માટે આવતા વર્ષે વૈશ્વિક ક્વોલિફાયર રમાશે, જેમાં બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ પણ ઝંપલાવશે.
"એ જ રોમાંચ ફરી જીવવો છે": ભારતને ફરી ચેમ્પિયન બનાવવા રોહિત શર્મા આતુર
ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ પોતાની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અંત લાવવાની સુવર્ણ તક છે. ૨૦૨૪નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદના પોતાના ભાવુક અનુભવો યાદ કરતા રોહિતે જણાવ્યું હતું કે, "વર્લ્ડ કપ જીતવો એ અદ્ભુત અનુભવ છે. ૨૦૦૭માં T20 વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ૧૧ વર્ષનો લાંબો રાહ જોવાનો સમયગાળો રહ્યો હતો. ૨૦૨૪માં જ્યારે અમે ટ્રોફી ઉઠાવી ત્યારે તે ક્ષણ હજુ પણ મારા દિલમાં ઊંડે સુધી કોતરાયેલી છે. હું ૫૦ ઓવરના ફોર્મેટમાં પણ એ જ અદભુત વિજયી લાગણી ફરી એકવાર જીવવા માગું છું અને તેના માટે ટીમને ચેમ્પિયન બનાવવી મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે."
"કારકિર્દીની આખરી સફરમાં સર્વસ્વ ન્યોછાવર કરી દઈશ": વિરાટ કોહલીનો હુંકાર
૨૦૧૧માં પોતાના ડેબ્યુ વર્લ્ડ કપમાં જ ટ્રોફી ઉઠાવનાર કિંગ કોહલી માટે આ કારકિર્દીનો છેલ્લો ODI વર્લ્ડ કપ બની રહેશે. પોતાના ભાવિ મિશન વિશે વાત કરતા વિરાટે કહ્યું કે, "મારા માટે આ ભારત તરફથી રમવાનો આખરી વર્લ્ડ કપ છે અને એ જ મારી સૌથી મોટી પ્રેરણા છે. મારે મેદાન પર ભારત માટે મારું સર્વસ્વ આપી દેવું છે. મારું એક જ સ્વપ્ન છે કે ફાઇનલ મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે હું ભારત માટે મેચ-વિનિંગ ઈનિંગ્સ રમીને દેશને વર્લ્ડ કપ અપાવું. આ ટ્રોફી જીતવી એ મારી કારકિર્દીનો સૌથી મોટો ધ્યેય છે."
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
