News of Thursday, 24th September 2026
ક્રિકેટ જગત સ્તબ્ધ: ઇંગ્લેન્ડના બાંગ્લાદેશી મૂળના ખેલાડી રોબિન દાસ પર બળાત્કારના બે ગંભીર આરોપ, ઓક્ટોબરમાં કોર્ટમાં સુનાવણી
એસેક્સ કાઉન્ટી ટીમે ખેલાડીને કર્યો સસ્પેન્ડ; બ્રિક્સ્ટનમાં મહિલા પર બળાત્કાર ગુજારવાનો અને શારીરિક શોષણ કરવાનો સિક્રેટ મામલો સામે આવ્યો

લંડન, તા.૨૪: અંગ્રેજ ક્રિકેટરો નશો કરીને ઝઘડો કે મારામારી કરે તેવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે લંડનથી એક એવા અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેણે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. ઇંગ્લેન્ડની સ્થાનિક કાઉન્ટી ક્રિકેટ ટીમ 'એસેક્સ' વતી રમતા ૨૪ વર્ષીય ક્રિકેટર રોબિન જેમ્સ દાસ (Robin Das) પર બળાત્કારના બે ગંભીર આરોપો લાગ્યા છે. આ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે અને લંડનની અદાલતે સુનાવણી માટેની તારીખ પણ નક્કી કરી દીધી છે.
મૂળ બાંગ્લાદેશના સિલ્હટ શહેરના પિતાનો પુત્ર અને ઇંગ્લેન્ડમાં ઉછરેલો રોબિન દાસ જાણીતો કાઉન્ટી ખેલાડી છે. વર્ષ ૨૦૨૩માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં 'ઢાકા ડોમિનેટર્સ' ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદ્યો હતો. આરોપ મુજબ, વર્ષ ૨૦૨૪માં તેણે બ્રિક્સ્ટન વિસ્તારમાં એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના સંદર્ભે ગયા વર્ષે ૨૭ ઓગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન મળ્યા હતા.
આ ગંભીર ગુનો નોંધાયા બાદ એસેક્સ ક્રિકેટ ક્લબે ૨૩ જુલાઈથી જ રોબિન દાસને ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. ન્યૂઝ એજન્સી IANS ના રિપોર્ટ અનુસાર, બળાત્કારના આ ચર્ચિત મામલે 'ઇનર લંડન ક્રાઉન કોર્ટ' દ્વારા તેને આવનારી ૯ ઓક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. પીડિત મહિલાને હાલ વિશેષ સુરક્ષા અધિકારીઓ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
