<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ભારત સાથેની શ્રેણીથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રેકોર્ડ આવક, પરંતુ બે દિવસીય એશિઝ ટેસ્ટથી ૨૦ મિલિયન ડૉલરનું નુકસાન

ભારતીય ટીમ સામેની મેચોથી ઓસ્ટ્રેલિયન બોર્ડને રેકોર્ડ કમાણી થઈ છે, જ્યારે એશિઝ ટેસ્ટ વહેલી પૂરી થવાથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

મેલબોર્ન, તા.28: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ સામેની શ્રેણીના કારણે રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે, તો બીજી તરફ એશિઝ સિરીઝની બે ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં સમાપ્ત થઈ જવાના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ને આશરે ૨૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલરનું જંગી આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન આ નાણાકીય આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. બોર્ડના જણાવ્યા મુજબ, ભારતીય ટીમ સામેની મેચો અને એશિઝ સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની ભારે ભીડ તથા પ્રસારણ અધિકારોને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને વિક્રમજનક કમાણી થઈ છે, જેનાથી બોર્ડની આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

 

પરંતુ સિક્કાની બીજી બાજુએ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) અને પર્થ ખાતે રમાયેલી એશિઝ સિરીઝની બે મહત્વપૂર્ણ ટેસ્ટ મેચો નિર્ધારિત પાંચ દિવસને બદલે માત્ર બે જ દિવસમાં સમેટાઈ ગઈ હતી. મેચ અપેક્ષિત સમય કરતાં વહેલી પૂરી થઈ જવાના કારણે ટિકિટ વેચાણ, કેટરિંગ અને હોસ્પિટાલિટી ક્ષેત્રની આવકને મોટો ફટકો પડ્યો હતો, જેના કારણે બોર્ડને અંદાજે ૨૦ મિલિયન ડૉલરની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

 

સભાને સંબોધિત કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વિદાય લઈ રહેલા અધ્યક્ષ માઈક બૈર્ડે મજાકમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ટેસ્ટ મેચો પૂરા પાંચ દિવસ ચાલે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે જેથી આ પ્રકારના આર્થિક નુકસાનથી બચી શકાય. તેમણે નવા અધ્યક્ષ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ બૂનને સંબોધતા કહ્યું હતું કે પાંચ દિવસીય ટેસ્ટ ક્રિકેટ રમત અને બોર્ડ બંનેના હિતમાં છે.

 

આગામી નાણાકીય વર્ષોમાં સંભવિત નુકસાન અને પડકારોનો સામનો કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા હવે વધુ આક્રમક આર્થિક આયોજન અને વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે, જેથી આગામી સિરીઝોમાં આવકની સાતત્યતા જળવાઈ રહે.

 

આ નાણાકીય સમીક્ષા અને એશિઝના ટૂંકા મુકાબલાઓની ચર્ચા હાલ ઓસ્ટ્રેલિયન રમતગમત વર્તુળોમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની રહી છે.

(5:34 PM IST)