News of Thursday, 25th June 2026
ટી૨૦ મુકાબલામાં યુવા સેનાનો શંખનાદ : વન્ડર બોય વૈભવ સૂર્યવંશી પર રહેશે આખી દુનિયાની નજર, નવા ખેલાડીઓને અગ્નિપરીક્ષાની સોનેરી તક
શ્રેયસ અય્યરની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાની નવી સવાર : પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગે જેવા ધુરંધરો આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરવા સજ્જ, સિનિયરો આરામ પર હોવાથી યુવા બ્રિગેડ પાસે ચમકવાનો મોકો : કાલે સાંજે ૬ વાગ્યાથી જંગ : સોની સ્પોર્ટસમાં લાઇવ પ્રસારણ

નવી દિલ્હી : ભારત અને આયર્લેન્ડ વચ્ચે આવતીકાલે આયર્લેન્ડના બેલફાસ્ટ (સ્ટોર્મોન્ટ) ખાતે બે મેચોની ટી-૨૦ સિરીઝનો પ્રથમ હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી ટી-૨૦ વર્લ્ડ કપના રોડમેપને ધ્યાનમાં રાખીને ભારતીય સિલેક્ટર્સે આ સિરીઝમાં તદ્દન નવી અને યુવા ટીમ મેદાનમાં ઉતારી છે. આ મેચમાં સૌથી મોટું આકર્ષણ માત્ર ૧૫ વર્ષના વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશી રહેવાના છે. જેઓ જો આવતીકાલે ડેબ્યૂ કરશે તો સચિન તેંડુલકરનો સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે!
આ પ્રવાસમાં નિયમિત કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફોર્મના કારણે બહાર છે અને મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે. જેના કારણે ટીમમાં નવા અને અનકેપ્ડ ખેલાડીઓ માટે પ્લેઈંગ ઈલેવનના દરવાજા ખુલી ગયા છે. આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે જેવા નવા ખેલાડીઓને આવતીકાલની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની સોનેરી તક મળી શકે તેમ છે. આ સિવાય હર્ષિત રાણા અને પ્રસીધ ક્રિશ્ના જેવા ઘાતક બોલરોની વાપસી પર પણ નજર રહેશે.
ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે નવા ટી-૨૦ કેપ્ટન શ્રેયસ અય્યર સંભાળી રહ્યા છે, જ્યારે વાઇસ કેપ્ટન તરીકે તિલક વર્મા છે. અભિષેક શર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન જેવા વિસ્ફોટક બેટ્સમેનોથી સજ્જ આ ટીમ આયર્લેન્ડની ધરતી પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા આતુર છે.
બીજી તરફ આયર્લેન્ડની ટીમ પણ પોતાના નવા કેપ્ટન લોર્કન ટકરની આગેવાનીમાં હોમ ગ્રાઉન્ડ પર ભારતને આંચકો આપવાની ફિરાકમાં છે. આયર્લેન્ડની ટીમમાં પણ મેથ્યુ હોલાર્ડ અને જય મુંદ્રા (જે મૂળ ભારતીય મૂળનો ખેલાડી છે) જેવા નવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જોકે, પોલ ર્સ્ટલિંગ અને જોશ લિટલ જેવા સિનિયર ખેલાડીઓની ઈજાના કારણે યજમાન ટીમ થોડી નબળી દેખાઈ રહી છે.
ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે ૬ વાગ્યે શરૂ થશે. જેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લીવ એપ પર જોઈ શકાશે. ભારતની આ ‘નવી નવલી' યુવા સેના આયર્લેન્ડને કઈ રીતે ઘૂંટણીયે લાવે છે તેના પર તમામ ક્રિકેટ રસિકોની મીટ મંડાયેલી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
