News of Thursday, 30th July 2026
કોમનવેલ્થ ગેમ્સઃદિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ભારતીય બોકસરો પણ કરી રહયા છે ધમાલ

નવી દિલ્હીઃ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં એથ્લેટિક્સમાં ભારતના સ્ટાર લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ૮.૦૯ મીટરના કૂદકા સાથે સતત બીજા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. પેરા-એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ૧૦૦ મીટર ટી ૪૭ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને જીતીને ઇતિહાસ રચ્યો. વધુમાં ભારતીય બોક્સરોએ તેમના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું અને રિંગમાં ઓછામાં ઓછા ૧૦ મેડલ પાક્કા કર્યા હતા.
૨૭ વર્ષીય મુરલી શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં લાંબી કૂદમાં સતત બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેણે ૨૦૨૨ બર્મિંગહામ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ગ્લાસગોમાં જમૈકાના તાજે ગેલે ૮.૧૫ મીટરના કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જયારે સ્કોટલેન્ડના સ્ટીફન મેકેન્ઝી (૮.૦૮ મીટર) એ બ્રોન્ઝ મેળવ્યો. ઇવેન્ટમાં અન્ય એક ભારતીય લોકેશ સત્યનાથન ૭.૯૭ મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પાંચમા સ્થાને રહ્યો હતો.
શ્રીશંકરના સિલ્વર મેડલ પછી તરત જ ભારતે પેરા-એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો હતો. દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની ૧૦૦ મીટર ટી ૪૭ ઇવેન્ટમાં ૧૦.૭૧ સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના જ મોહમ્મદ બાસિલ મોરસિંગાનકથે પણ ૧૦.૮૩ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, સેમિફાઇનલમાં સ્થાન મેળવીને ઓછામાં ઓછા ૧૦ મેડલ મેળવ્યા હતા. સાક્ષી ચૌધરી (૫૧ કિગ્રા), અરુંધતી ચૌધરી (૭૦ કિગ્રા), સચિન સિવાચ (૬૦ કિગ્રા), અંકુશ પંદ્યાલ (૮૦ કિગ્રા), નરેન્દ્ર બરવાલ (+૯૦ કિગ્રા) અને વિશ્વ ચેમ્પિયન જેસ્મીન લાબોરિયા (૫૭ કિગ્રા) અંતિમ ચારમાં પ્રવેશી છે. લવલીના બોરગોહેન (૭૫ કિગ્રા), પ્રિયા ઘંઘાસ (૬૦ કિગ્રા), પ્રીતિ પવાર (૫૪ કિગ્રા) અને જાદુમણી સિંહ (૫૫ કિગ્રા) પણ સેમિફાઇનલમાં પ્રવેશી છે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
