<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાની ધમાકેદાર વાપસી: જેવલિન થ્રોની ફાઇનલમાં કર્યો પ્રવેશ, વધુ બે ભારતીયો પણ ક્વોલિફાય!

8 વર્ષ બાદ CWG માં પુનરાગમન કરી નીરજે ફાઇનલની ટિકિટ મેળવી: પાકિસ્તાનના અરશદ નદીમ પણ ક્વોલિફાય થતાં ફરી જામશે ‘હાઇ-વોલ્ટેજ’ જંગ

નવી દિલ્હી, તા.30: સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારત માટે વધુ એક ગૌરવશાળી ક્ષણ આવી છે. ભારતના ‘ગોલ્ડન બોય’ તરીકે જાણીતા સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની જેવલિન થ્રો સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઈજાના કારણે 2022 ની બર્મિંગહામ ગેમ્સ ગુમાવ્યા બાદ, આઠ વર્ષ પછી આ રમતોત્સવમાં પાછા ફરેલા નીરજ પાસે દેશવાસીઓ ફરી એકવાર ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે.
ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજે પોતાના પહેલા પ્રયાસમાં 76.28 મીટરનો થ્રો કર્યો હતો, પરંતુ તેનાથી અસંતુષ્ટ રહીને બીજા પ્રયાસમાં તેણે 79.61 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંકીને એકંદર પાંચમું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી હતી. નીરજની સાથે ભારતના અન્ય બે ઉભરતા ભાલાફેંક ખેલાડીઓ રોહિત યાદવ (નવમું સ્થાન) અને યશવીર સિંહે (દસમું સ્થાન) પણ ક્વોલિફાય થઈને ઇતિહાસ રચ્યો છે. આમ, ફાઇનલમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સુવર્ણચંદ્રક માટે મેદાનમાં ઉતરશે.
બીજી તરફ, પેરિસ ઓલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ અને પાકિસ્તાનના સ્ટાર ખેલાડી અરશદ નદીમે પણ 78.63 મીટરના થ્રો સાથે સાતમા ક્રમે રહીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ શનિવારે મોડી રાત્રે 12:45 વાગ્યે રમાનારી ફાઇનલમાં ફરી એકવાર નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે રસાકસી ભરી હાઇ-વોલ્ટેજ ટક્કર જોવા મળશે.

(5:32 PM IST)