તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
મેદાન પર મચી અફરાતફરી: લુંગી ન્ગીડીને માથામાં ગંભીર ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો, જાણો હવે કેવી છે દિલ્હીના સ્ટાર બોલરની હાલત?
પંજાબ સામે કેચ લેવા જતાં ભયાનક અકસ્માત; એમ્બ્યુલન્સ બોલાવવી પડી, વિપ્રજ નિગમ બન્યો કન્કશન સબસ્ટિટ્યુટ, ચાહકોમાં ચિંતાનું મોજું

નવી દિલ્હી: આઈપીએલ ૨૦૨૬માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના બની હતી. દિલ્હીના દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગીસાની ન્ગીડીને ફિલ્ડિંગ દરમિયાન માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ન્ગીડી એક હવામાં ઉછળેલા કેચને પકડવા માટે દોડ્યો હતો, પરંતુ સંતુલન ગુમાવતા તે મેદાન પર પટકાઈ પડ્યો હતો અને તેનું માથું જમીન સાથે જોરથી અથડાયું હતું.
પડ્યા બાદ તરત જ ન્ગીડીએ માથામાં અને ગરદનમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી હતી. મેડિકલ ટીમ તરત જ મેદાન પર દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ બાદ જોખમ ન લેતા તેને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ આકસ્મિક ઈજાને કારણે થોડી મિનિટો માટે રમત રોકી દેવામાં આવી હતી અને સ્ટેડિયમમાં હાજર ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
IPL એ જાહેર કર્યું ઓફિશિયલ અપડેટ:
દિલ્હી કેપિટલ્સ અને ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર એ છે કે લુંગી ન્ગીડીની હાલત હવે સ્થિર છે. આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, "ન્ગીડીની સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે." હોસ્પિટલમાં તેના સીટી સ્કેન અને અન્ય રિપોર્ટ્સ કરવામાં આવ્યા છે, જે સદનસીબે પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શું છે કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ?
માથાની ઈજા (Concussion) અત્યંત સંવેદનશીલ હોવાથી આઈપીએલના નિયમો મુજબ દિલ્હી કેપિટલ્સે તાત્કાલિક 'કન્કશન સબસ્ટિટ્યુટ'નો વિકલ્પ પસંદ કર્યો હતો. ન્ગીડીના સ્થાને વિપ્રજ નિગમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેણે બાકીની મેચમાં બોલિંગ અને ફિલ્ડિંગની જવાબદારી સંભાળી હતી. નિયમ મુજબ, ઈજાગ્રસ્ત ખેલાડી જેવો જ બીજો ખેલાડી (લાઈક-ફોર-લાઈક) મેદાનમાં ઉતારી શકાય છે. ન્ગીડીની રિકવરી ઝડપી હોવાના સમાચારથી દિલ્હીના કેમ્પમાં હાશકારો જોવા મળ્યો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
