<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

બર્મિંગહામ વનડેમાં હંગામો: ભારતીય ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રાર અને બેન ડકેટ વચ્ચે મેદાન પર તીખી તકરાર, ICCએ લીધા કડક પગલાં

ઇંગ્લેન્ડના બેટ્સમેન તરફ જોખમી રીતે બોલ ફેંકવા બદલ ગુર્નૂરને લેવલ-૧ ના ભંગ બદલ ઓફિશિયલ ઠપકો; ખેલાડીના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરાયો

બર્મિંગહામ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન મેદાન પર એક હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ભારતીય યુવા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રાર અને ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન બેન ડકેટ વચ્ચે મેદાન પર જોરદાર અથડામણ થઈ હતી. આ આક્રમક વર્તન અને જોખમી ફિલ્ડિંગ બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગુર્નૂર બ્રારને સત્તાવાર રીતે કડક ઠપકો આપવામાં આવ્યો છે અને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દોષિત જાહેર કરાયો છે.

આઠમી ઓવરમાં ગરમાયું મેદાન: શું હતી સમગ્ર ઘટના?

આ વિવાદાસ્પદ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સની ૮મી ઓવર દરમિયાન બની હતી. જ્યારે ગુર્નૂર બ્રારે ફિલ્ડિંગ કરતી વખતે બોલ ઉપાડ્યો અને અચાનક જ ક્રીઝ પર હાજર બેટ્સમેન બેન ડકેટ તરફ અત્યંત અયોગ્ય અને ખતરનાક રીતે થ્રો કર્યો હતો. આ થ્રો એટલો જોખમી હતો કે બેટ્સમેનને ઇજા થઈ શકી હોત.

આ અણછાજતા વર્તનને કારણે મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે તીખી તકરાર થઈ ગઈ હતી. ICCની આચારસંહિતાની કલમ ૨.૯ હેઠળ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી પર અથવા તેની નજીક જાણીજોઈને જોખમી રીતે બોલ ફેંકવો એ ગંભીર અપરાધ માનવામાં આવે છે, જેમાં ગુર્નૂર દોષિત સાબિત થયો છે.

ભવિષ્ય માટે ખતરો: ડિમેરિટ પોઇન્ટનો દંડ

ICC દ્વારા સત્તાવાર ચેતવણી આપવાની સાથે જ ગુર્નૂર બ્રારના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ (Demerit Point) ઉમેરી દેવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ મહિનાના સમયગાળામાં ભારતીય બોલર દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ ગુનો છે. જો આગામી સમયમાં આવા પોઇન્ટ્સ વધશે તો તેના પર મેચ પ્રતિબંધ પણ આવી શકે છે.

ગુર્નૂરે ભૂલ સ્વીકારી, સુનાવણી ટળી

મેચ બાદ અમીરાત ICC એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ ગુર્નૂર બ્રારે પોતાની ભૂલનો એકરાર કરી લીધો હતો અને રેફરી દ્વારા પ્રસ્તાવિત દંડનો સ્વીકાર કર્યો હતો. ખેલાડીએ ગુનો કબૂલી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી.

આ ગંભીર આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેના અને માઈક બર્ન્સ, થર્ડ અમ્પાયર સેમ નોગાજસ્કી અને ફોર્થ અમ્પાયર રસેલ વોરેન દ્વારા સંયુક્ત રીતે લગાવવામાં આવ્યો હતો. નિયમ મુજબ લેવલ-૧ ના ગુના માટે ખેલાડીને સત્તાવાર ઠપકો અથવા તેની મેચ ફીના મહત્તમ ૫૦ ટકા દંડ અને એકથી બે ડિમેરિટ પોઇન્ટ આપવાની જોગવાઈ છે.

(6:27 PM IST)