<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર: T20 માં ઇશાન કિશનનું વર્ચસ્વ અકબંધ, ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઓલી રોબિન્સને લગાવી લાંબી છલાંગ

પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લિશ ફાસ્ટ બોલરે ટોપ-૫ બોલરોની યાદીમાં મેળવ્યું સ્થાન; બેક-ટુ-બેક પ્લેયર ઓફ ધ મેચ બનીને મચાવી ધમાલ

નવી દિલ્હી, તા.૦૨: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જારી કરાયેલી મેન્સ રેન્કિંગમાં ભારે ફેરફાર જોવા મળ્યા છે. એક તરફ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન ઇશાન કિશને T20 રેન્કિંગમાં પોતાનો દબદબો અને વર્ચસ્વ જાળવી રાખ્યું છે, તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને પોતાની સનસનાટીભરી બોલિંગના જોરે વિશ્વના ટોચના ૫ બોલરોની યાદીમાં પ્રવેશ કરી લીધો છે.

પાકિસ્તાન સામે તાજેતરમાં પૂરી થયેલી ટેસ્ટ શ્રેણીમાં ઓલી રોબિન્સને ઘાતક બોલિંગનો નમૂનો પેશ કર્યો હતો. તેણે લીડ્સ (હેડિંગલી) ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૮ વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ૮ વિકેટ પોતાના નામે કરી હતી. બંને ટેસ્ટ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા રોબિન્સનના આ શાનદાર પ્રદર્શનના દમ પર ઇંગ્લેન્ડે ૩ મેચની ટેસ્ટ શ્રેણી ૨-૧ થી પોતાના નામે કરી લીધી હતી. આ અકલ્પનીય પ્રદર્શનનો પુરસ્કાર તેને આઈસીસી રેન્કિંગમાં મોટો ઉછાળો મેળવીને મળ્યો છે.

(4:01 PM IST)