<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

BCCI ની AGM માં રમાશે મોટો દાવ: અજિત અગરકરની ચીફ સિલેક્ટર પદેથી થઈ શકે છે છુટ્ટી, પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝા રેસમાં સૌથી આગળ!

વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી ૯૫મી વાર્ષિક સભામાં લેવાશે મહત્ત્વના નિર્ણયો: આંદામાન અને નિકોબારને ICC ની મેમ્બરશિપ અપાવવા અને રોહિત શર્માના ભવિષ્ય પર પણ થશે ગંભીર ચર્ચા

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ૯૫મી વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવારે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ સ્થિત હેડક્વાર્ટર ખાતે યોજાવા જઈ રહી છે. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં ભારતીય ક્રિકેટના ભવિષ્યને લઈને કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં ચાહકો અને ક્રિકેટ જગતની નજર મુખ્યત્વે ત્રણ મોટા મુદ્દાઓ પર ટકેલી રહેશે, જેમાં ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કોન્ટ્રેક્ટ લંબાવવો કે નહીં, આઈસીસીમાં બીસીસીઆઈના પ્રતિનિધિની નિયુક્તિ અને આંદામાન-નિકોબારને આઈસીસીનું મેમ્બરશિપ અપાવવાનો સમાવેશ થાય છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર તરીકે અજિત અગરકરની મુદત ઓક્ટોબરના પ્રારંભમાં પૂર્ણ થઈ રહી છે અને તેમનો કોન્ટ્રેક્ટ આગળ ન વધારવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જુલાઈ ૨૦૨૩માં આ પદ સંભાળનાર અગરકર જો વિદાય લેશે તો તેમની જગ્યાએ ચીફ સિલેક્ટર બનવાની રેસમાં ગુજરાતના ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ અને પૂર્વ ચતુર સ્પિનર પ્રજ્ઞાન ઓઝાના નામો સૌથી આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, પીઢ બેટ્સમેન રોહિત શર્માના વન-ડે ક્રિકેટ ભવિષ્ય અને નિવૃત્તિ અંગે પણ આ બેઠકમાં ગંભીર ચર્ચા થવાની શક્યતા સેવાઈ રહી છે.

 

બીસીસીઆઈના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્ય ભારતથી ૧,૦૦૦ કિલોમીટર દૂર આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ક્રિકેટના વિકાસ અને તેને આઈસીસી (ICC) ની એસોસિએટ મેમ્બરશિપ અપાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે અરુણ ધુમાલની પુનઃવરણી, કાઉન્સિલમાં સભ્યોની નિમણૂક તેમજ ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશનના પ્રતિનિધિની પસંદગી જેવા વહીવટી મુદ્દાઓ પર પણ આ વાર્ષિક સભામાં અંતિમ મહોર મારવામાં આવશે.

 

(7:22 PM IST)