<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પૂર્વે જ ભારતને મોટો આંચકો: સ્ટાર જ્યુડો ખેલાડી તુલિકા માન એનએડીએ (NADA) દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

​વર્ષ ૨૦૨૨ની બર્મિંગહામ ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ તુલિકા માન ‘વ્હેઅરઅબાઉટ્સ’ (સ્થળની માહિતી આપવા)ના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરતા ભારતીય ટીમમાંથી બહાર: બે દિવસમાં બે જ્યુડો ખેલાડીઓ સસ્પેન્ડ થતાં દેશની મેડલ જીતવાની આશાઓને ભારે ફટકો

​નવી દિલ્હી : ગ્લાસગો ખાતે યોજાનારી આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ શરૂ થાય તે પહેલા જ ભારતીય રમતજગત માટે ખૂબ જ માઠા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર મહિલા જ્યુડો ખેલાડી અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની સિલ્વર મેડલ વિજેતા તુલિકા માનને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા પ્રોવિઝનલ સસ્પેન્ડ (કામચલાઉ પ્રતિબંધ) કરી દેવામાં આવી છે. આ શિસ્તભંગના પગલાના કારણે ૨૫ વર્ષીય તુલિકા માનને ગ્લાસગો ગેમ્સ માટેની ભારતીય ટીમમાંથી પણ તાત્કાલિક અસરથી બહાર કરી દેવામાં આવી છે. ભારતીય જ્યુડો ટીમ આગામી ૨૭ જુલાઈએ ગ્લાસગો જવા રવાના થવાની છે અને ૩૧ જુલાઈથી ત્યાં સ્પર્ધાઓ શરૂ થવાની છે, પરંતુ તે પૂર્વે જ ભારતની આ અગ્રણી મેડલ દાવેદાર ખેલાડી બહાર થઈ જતાં ભારતીય છાવણીમાં સોપો પડી ગયો છે.

​શા માટે લેવાયા કડક પગલાં? શું છે સમગ્ર મામલો?

તુલિકા માન પર કોઈ પ્રતિબંધિત શક્તિવર્ધક દવા (ડોપિંગ)ના સેવનનો સીધો આરોપ નથી, પરંતુ એન્ટી-ડોપિંગ એજન્સીના 'વ્હેઅરઅબાઉટ્સ' (Whereabouts) એટલે કે ખેલાડીના ચોક્કસ લોકેશનની માહિતી પૂરી પાડવાના કડક નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી-ડોપિંગ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (ADAMS) અંતર્ગત રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં સામેલ ટોચના રમતવીરોએ પોતે ક્યાં છે, ક્યાં તાલીમ લઈ રહ્યા છે અને દિવસના કયા એક કલાક દરમિયાન તેઓ ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે, તેની આગોતરી સચોટ માહિતી આપવી અનિવાર્ય હોય છે.

​નેશનલ એન્ટી ડોપિંગ રૂલ્સ (NADR) ૨૦૨૧ના આર્ટિકલ ૨.૪ મુજબ, જો કોઈ ખેલાડી ૧૨ મહિનાના સમયગાળામાં સતત ત્રણ વખત પોતાના લોકેશનની ખોટી માહિતી આપે, નિયત સમય મર્યાદા ચૂકવી દે અથવા આપેલા લોકેશન પર તપાસ અધિકારીને ન મળી આવે (મિસ્ડ ટેસ્ટ), તો તેને એન્ટી-ડોપિંગ નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણવામાં આવે છે. તુલિકા માને છેલ્લા એક વર્ષમાં આવી ત્રણ ભૂલો કરી હોવાનું સામે આવતા એજન્સીએ તેમને કારણદર્શક નોટિસ ફટકારી સસ્પેન્ડ કર્યા છે. જો ડિસિપ્લિનરી પેનલની સુનાવણીમાં તેઓ આ આરોપોમાંથી મુક્ત ન થઈ શકે, તો તેમના પર બે વર્ષ સુધીનો લાંબો પ્રતિબંધ પણ આવી શકે છે.

​૪૮ કલાકમાં બીજો મોટો ફટકો: જ્યુડો ટીમ વેરવિખેર

ભારતીય જ્યુડો ફેડરેશન અને ખેલ જગત માટે મુશ્કેલીઓ અહીં જ નથી અટકતી. તુલિકા માન પૂર્વે માત્ર ૨૪ કલાક પહેલા જ પુરુષોની ૭૩ કિલોગ્રામ કેટેગરીના અન્ય એક મજબૂત ભારતીય જ્યુડો ખેલાડી અરુણ કુમાર પણ ડોપ ટેસ્ટમાં નાપાસ થવાના કારણે ટીમમાંથી બહાર થઈ ચૂક્યા છે. અરુણ કુમારના સેમ્પલમાં પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોઇડ મળી આવ્યું હતું. આમ, ગણતરીના બે દિવસમાં જ ભારતના બે મુખ્ય જ્યુડો ખેલાડીઓ બહાર થઈ જતાં ભારતની મેડલ મેળવવાની આશાઓ ધૂળધાણી થઈ ગઈ છે.

​હવે કોઈ બદલી (રિપ્લેસમેન્ટ) શક્ય નથી

સમય ઘણો ઓછો હોવાથી અને કોમનવેલ્થ ગેમ્સના કડક ક્વોલિફિકેશન અને રજિસ્ટ્રેશન નિયમોના કારણે, સસ્પેન્ડ થયેલી તુલિકા માન અથવા અરુણ કુમારના સ્થાને કોઈ અન્ય વૈકલ્પિક ખેલાડીને ગ્લાસગો મોકલવાની તક પણ ભારત ગુમાવી ચૂક્યું છે. શરૂઆતમાં ભારતની ૧૪ સભ્યોની મજબૂત જ્યુડો ટીમ મેદાનમાં ઉતરવાની હતી, જે હવે ઘટીને માત્ર ૧૨ ખેલાડીઓની રહી ગઈ છે.

​મેડલની પ્રબળ દાવેદાર હતી તુલિકા

દિલ્હીની રહેવાસી અને માત્ર આઠ વર્ષની ઉંમરથી જ્યુડો રમીને દેશનું નામ રોશન કરનાર તુલિકા માને વર્ષ ૨૦૨૨માં બર્મિંગહામ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની મહિલાઓની +૭૮ કિલોગ્રામ (હેવીવેઇટ) કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક (સિલ્વર મેડલ) જીત્યો હતો. તે ૨૦૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરનારી એકમાત્ર જ્યુડો ખેલાડી હતી. આ આંતરરાષ્ટ્રીય અનુભવને કારણે આ વર્ષે ગ્લાસગોમાં તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ હવે આ પ્રતિબંધના કારણે સમગ્ર રમતજગતમાં નિરાશા વ્યાપી ગઈ છે. હવે હર્ષ તોકાસ, અવતાર સિંહ અને રોહિત બસીર જેવા બાકી રહેલા ખેલાડીઓ પર ભારતની લાજ રાખવાની બેવડી જવાબદારી આવી પડી છે.

(10:41 PM IST)