તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
IPL ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર: વિદેશી ધરતી પરથી પરત ફરશે રોમાંચ, હવે 2027ની આઈપીએલ ખેલાડીઓની હરાજી (ઓક્શન) ભારતમા જ યોજાશે!
છેલ્લા ત્રણ વર્ષથી દુબઈ, સાઉદી અરેબિયા અને અબુધાબી જેવા વિદેશી શહેરોમાં યોજાતી આઈપીએલ હરાજી હવે ફરીથી ભારતમાં યોજાશે, જે અંગે ખુદ આઈપીએલ ચેરમેન અરુણ ધુમાલે પુષ્ટિ કરી છે.

નવી દિલ્હી : ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચક મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને ક્રિકેટ રસિકો માટે એક ખૂબ જ ઉત્સાહજનક ખબર સામે આવી છે. આગામી 2027ની સિઝન માટેના ખેલાડીઓની હરાજી (ઑક્શન) હવે ભારતની ધરતી પર જ યોજવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાય વર્ષોથી વિદેશી શહેરોમાં યોજાતી આ હરાજી પર હવે ફરીથી દેશી રંગ ચડશે. પ્રાપ્ત વિગતો અનુસાર, 18 સપ્ટેમ્બરે મળનારી બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા પહેલા આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આઈપીએલનું ઓક્શન વિદેશોમાં યોજાઈ રહ્યું હતું. વર્ષ 2024માં દુબઈમાં નાની હરાજી યોજાઈ હતી, જ્યારે 2025ના મેગા ઓક્શન માટે સાઉદી અરેબિયાના જેદાહ શહેરની પસંદગી કરવામાં આવી હતી અને તાજેતરમાં 2026ની હરાજી અબુધાબીમાં યોજાઈ હતી. આ અંગે આઈપીએલના ચેરમેન અરુણ ધુમાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી હરાજી ભારતમાં જ યોજવાના સતત પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ 'મૅરેજ સીઝન' (લગ્નની મોસમ) હોવાને કારણે ભારતમાં યોગ્ય અને મોટા પાયાનું સ્થળ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, 2027નું ઓક્શન નાના પાયે (મિની ઓક્શન) હોવાથી ભારતમાં જ સરળતાથી આયોજન થઈ જશે. બીસીસીઆઈ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલા સ્થળોમાંથી ટૂંક સમયમાં જ ચોક્કસ શહેરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
