News of Wednesday, 16th September 2026
એશિયન ગેમ્સ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર: ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્થી બહાર, યુવા ઓલ-રાઉન્ડર વિપ્રજ નિગમની ભારતીય સ્કવોડમાં એન્ટ્રી!
અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન 'સાઇડ સ્ટ્રેન'નો ભોગ બનેલા સ્પિનર વરુણ ચક્રવર્થી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, ત્યારે શાનદાર ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરનાર વિપ્રજ નિગમને રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કરવાની સોનેરી તક મળી છે.

નવી દિલ્હી : આગામી 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાનારી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I મેચ દરમિયાન પેટના સ્નાયુમાં ખેંચાણ (સાઇડ સ્ટ્રેન) ની ગંભીર ઈજાનો ભોગ બનેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્થી એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી રમનારા પ્રતિભાશાળી 22 વર્ષીય લેગ-સ્પિન ઓલ-રાઉન્ડર વિપ્રજ નિગમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I મેચમાં વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન અત્યંત કિફાયતી રહ્યું હતું અને તેમણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી, પરંતુ ત્રીજી ઓવર દરમિયાન તેમને ડાબી બાજુના સ્નાયુમાં તકલીફ અનુભવાઈ હતી અને સ્કેન બાદ તેઓ શ્રેણીમાંથી બહાર થયા હતા. હવે તેમના સ્થાને આવેલા વિપ્રજ નિગમે IPLમાં અત્યાર સુધી 19 મેચોમાં 13 વિકેટ ઝડપવાની સાથે અંદાજે 176ના શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગમાં પણ પોતાનો જાદુ વિખેર્યો છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ એશિયન ગેમ્સમાં ક્વાર્ટર-ફાઈનલથી અભિયાન શરૂ કરનાર ભારતીય ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ અને વૈભવ સૂર્યવંશી જેવા સ્ટાર ખેલાડીઓ પહેલેથી જ સામેલ છે, ત્યારે વિપ્રજ નિગમના આગમનથી ટીમનું ઓલ-રાઉન્ડ સંતુલન વધુ મજબૂત બન્યું છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
