News of Wednesday, 23rd September 2026
આઈસીસી (ICC) રેન્કિંગમાં મોટો ફેરબદલ: પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદે રાશિદ ખાનનું સિંહાસન છીનવ્યું, બન્યો દુનિયાનો 'નંબર ૧' T20I બોલર!
ભારતના વરુણ ચક્રવર્થી સાતમા સ્થાને સરક્યા જ્યારે જસપ્રીત બુમરાહ ૧૦મા ક્રમે; બેટિંગ રેન્કિંગમાં ૯૦૧ પોઈન્ટ્સ સાથે ભારતના ઈશાન કિશનનો નંબર ૧ પર દબદબો યથાવત.

દુબઈ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના T20I પ્લેયર્સ રેન્કિંગમાં મોટો મોટો ફેરબદલ જોવા મળ્યો છે. પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદે અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાનને પાછળ છોડીને વિશ્વના નંબર ૧ T20I બોલર બનવાનું બહુમાન હાસિલ કર્યું છે. અબરાર ૭૩૬ રેટિંગ પોઈન્ટ્સ સાથે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે, જ્યારે રાશિદ ખાન હવે બીજા ક્રમે ધકેલાયો છે.
ભારતીય બોલરો રેન્કિંગમાં પાછળ ધકેલાયા
નવા આઈસીસી રેન્કિંગમાં ભારતીય બોલરો માટે થોડા નિરાશાજનક સમાચાર આવ્યા છે. ભૂતકાળમાં રેન્કિંગમાં ટોચ પર રહેલા ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્થી હવે ૬૧૭ પોઈન્ટ્સ સાથે ઘટીને સાતમા સ્થાને સરકી ગયા છે. આ ઉપરાંત ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૬૫૧ રેટિંગ પોઈન્ટ્સ સાથે ૧૦મા ક્રમે જળવાઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર એડમ ઝમ્પા એક સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે, જ્યારે પાકિસ્તાનનો મોહમ્મદ નવાઝ ૬૫૮ પોઈન્ટ્સ સાથે આઠમા ક્રમે છે.

T20I બેટિંગમાં ભારતીય બેટ્સમેનોનો બોલબાલા
બોલિંગમાં ભલે ભારતીય ખેલાડીઓ પાછળ રહ્યા હોય, પરંતુ બેટિંગ રેન્કિંગમાં ભારતીય ધુરંધરોનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે:
- ઈશાન કિશન: ૯૦૧ રેટિંગ પોઈન્ટ્સ સાથે વિશ્વના નંબર ૧ T20I બેટ્સમેન તરીકે ટોચ પર વિરાજમાન છે.
- અભિષેક શર્મા: ભારત માટે સૌથી ઝડપી T20I સદી ફટકારનાર વિસ્ફોટક ઓપનર બીજા ક્રમે છે.
- સાહિબઝાદા ફરહાન: પાકિસ્તાનનો આ ઓપનર ૮૪૮ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને જળવાઈ રહ્યો છે.
આ સિવાય પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ બે સ્થાનના સુધારા સાથે ૫૫૫ પોઈન્ટ્સ મેળવીને ૪૧મા ક્રમે પહોંચ્યો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
