News of Saturday, 10th October 2026
સ્થાનિક ક્રિકેટમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવે ૧૨ વર્ષ જૂનો સાથ છોડીને નવી ‘એમઆઇજી ક્રિકેટ ક્લબ’ સાથે હાથ મિલાવ્યા
ભારતીય ટીમે નજરઅંદાજ કરતા મુંબઈના સ્ટાર બેટ્સમેન અને ટી-૨૦ ચેમ્પિયન કૅપ્ટને લીધો મોટો નિર્ણય; રવિવારથી એમસીએ પ્રેસિડન્ટ્સ કપમાં સંભાળશે નેતૃત્વ

મુંબઈ : ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના ચેમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવની સ્થાનિક ક્રિકેટ કારકિર્દીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરના શાસનકાળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા બાદ અને તાલીમ શિબિરમાં હાજરી ન આપવાને કારણે રવિવાર, ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીની નવી સીઝન માટેની મુંબઈની ટીમમાં પણ સ્થાન ન મેળવી શકનાર સૂર્યકુમાર યાદવે હવે પોતાની સ્થાનિક ટીમ બદલી નાખી છે.
મુંબઈના આ વિસ્ફોટક બૅટ્સમેને લાંબા સમયથી જોડાયેલી પોતાની જૂની ટીમનો સાથ છોડી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૩૬ વર્ષીય સૂર્યકુમાર યાદવ છેલ્લા આશરે ૧૨ વર્ષથી 'પારસી જિમખાના' ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે તેમણે પારસી જિમખાનાને અલવિદા કહીને બાંદરા (પૂર્વ) સ્થિત પ્રતિષ્ઠિત 'એમઆઇજી (MIG) ક્રિકેટ ક્લબ' સાથે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. આગામી નવી સ્થાનિક સીઝનમાં તેઓ આ નવી ટીમ વતી મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયા છે.
આ નવા સમીકરણ હેઠળ સૂર્યકુમાર યાદવ એમઆઇજી ક્લબની ટીમનું નેતૃત્વ (કૅપ્ટન્સી) પણ સંભાળશે. મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી અને એમઆઇજી ક્લબના ક્રિકેટ સેક્રેટરી અમિત દાણીના જણાવ્યા અનુસાર, સૂર્યકુમાર રવિવાર, ૧૧મી ઓક્ટોબરે રમાનારી એમસીએ (MCA) પ્રેસિડન્ટ્સ કપની મેચમાં એમઆઇજી ક્લબની ટીમના સુકાની તરીકે પોતાની આ નવી સ્થાનિક 'ઇનિંગ્સ'ની શરઆત કરશે.
ક્રિકેટ વિશેષજ્ઞોના મતે, સૂર્યકુમાર યાદવની ટેલેન્ટને નિખારવામાં અને તેમની કારકિર્દીને ઘડવામાં પારસી જિમખાનાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે, પરંતુ હવે ભારતીય ટીમમાં પુનરાગમન (કમબૅક) કરવા માટે સ્થાનિક અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ્સ તેમના માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. એમઆઇજી ક્લબની કેપ્ટનશીપ સંભાળીને તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ મજબૂત પ્રદર્શન કરવા માટે આતુર છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
