<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ચેન્નાઈ સુપર કિંગ્સમાં મોટો બદલાવ: ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન બન્યા CSKના નવા મુખ્ય કોચ, IPL 2027 માટે માસ્ટર સ્ટ્રોક

સ્ટીફન ફ્લેમિંગના ૧૮ વર્ષના લાંબા યુગનો અંત: એમએસ ધોની અને રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ પ્રથમવાર કોઈ ભારતીય સંભાળશે CSKની કોચિંગ કમાન

ચેન્નાઈ : ઈન્ડિયન પ્રીમિયર લાઈગ (IPL) ની સૌથી સફળ અને લોકપ્રિય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને લઈને એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ આગામી IPL 2027 માટે ભારતના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પાંચ વખતની ચેમ્પિયન CSK સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા ન્યુઝીલેન્ડના મહાન બેટર સ્ટીફન ફ્લેમિંગે જુલાઈ ૨૦૨૬ માં પદ છોડ્યા બાદ, ફ્રેન્ચાઇઝીએ ઝહીર ખાન પર ભરોસો મૂક્યો છે. ફ્લેમિંગે સતત ૧૮ વર્ષ સુધી CSKને કોચિંગ આપ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ સિઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહેતા અને ફ્લેમિંગના ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બન્યા બાદ આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

 

આ ભૂમિકા માટે માઈકલ હસી અને ઇયોન મોર્ગન જેવા દિગ્ગજોના નામની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ ફ્રેન્ચાઇઝીએ ૪૭ વર્ષીય ઝહીર ખાનને પસંદ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઝહીર ખાનના આગમનથી CSKના મેનેજમેન્ટમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, લિજેન્ડરી ખેલાડી એમએસ ધોની અને ફ્રેન્ચાઇઝી માલિક રૂપા ગુરુનાથની બનેલી ક્રિકેટ મેનેજમેન્ટ કમિટી આ સિઝનમાં ભારતીય કોચ લાવવા માટે ઉત્સુક હતી. ધોની અને ઝહીરે ભૂતકાળમાં લાંબો સમય ભારતીય ટીમ માટે સાથે રમીને ઘણી યાદગાર જીતો અપાવી છે, જેમાં ૨૦૧૧નો વનડે વર્લ્ડ કપ પણ સામેલ છે.

 

ઝહીર ખાનનો શાનદાર ક્રિકેટરથી કોચ સુધીનો પ્રવાસ

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ૯૨ ટેસ્ટ, ૨૦૦ વનડે અને ૧૭ ટી૨૦ મેચો રમીને કુલ ૬૧૦ વિકેટ ઝડકનાર ઝહીર ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બોલિંગની લોખંડી છાપ છોડી છે. આ ઉપરાંત, આઈપીએલમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ સહિતની ટીમો માટે ૧૦૦ મેચોમાં ૧૦૨ વિકેટ લેનાર ઝહીર પાસે વિશાળ અનુભવ છે. નિવૃત્તિ બાદ તેઓ મુંબઈ ઇન્ડિયન્સમાં ડિરેક્ટર ઓફ ક્રિકેટ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે મેન્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે, પરંતુ મુખ્ય કોચ તરીકે આ તેમનો પ્રથમ અને મહત્ત્વપૂર્ણ કાર્યકાળ હશે.

 

ફ્રેન્ચાઇઝીના માલિક રૂપા ગુરુનાથે ઝહીરનું સ્વાગત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યુવા પ્રતિભાઓને નિખારવાની તેમની ક્ષમતા અને સમૃદ્ધ અનુભવ CSKના મૂળને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. ધોનીના માર્ગદર્શન હેઠળ અને ઝહીર ખાનની નવી કોચિંગ રણનીતિ સાથે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી સિઝનમાં ટ્રોફી જીતવા માટે મેદાને ઉતરશે, જેને લઈને ચાહકોમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

(7:33 PM IST)