<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ભારતીય હોકીમાં મોટો ભડકો: 'શુ અમે કાબેલ નથી?' - વિદેશી કોચના મોહમાં પીઆર શ્રીજેશની હકાલપટ્ટી થતા ખળભળાટ, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો દમદાર આક્રોશ!

સતત ૫ ટુર્નામેન્ટમાં મેડલ અપાવવા છતાં દિગ્ગજ ગોલકીપરને કોચ પદેથી હટાવવા સામે સવાલો; ૨૦૩૬ ઓલિમ્પિકના સપના વચ્ચે વિદેશી કોચ પર હોકી ઇન્ડિયાના અતૂટ વિશ્વાસથી શ્રીજેશ આહત

નવી દિલ્હી : ભારતીય હોકીના ઈતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે તેવા પૂર્વ ગોલકીપર પીઆર શ્રીજેશે બુધવારે રમત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ૨૦૨૪ ઓલિમ્પિક બાદ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળનાર શ્રીજેશે અત્યંત ભાવનાત્મક પોસ્ટ શેર કરીને હોકી ઇન્ડિયાની 'વિદેશી કોચ' પ્રત્યેની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંકેત આપ્યો છે કે પ્રભાવશાળી દેખાવ છતાં વિદેશી કોચ માટે રસ્તો બનાવવા તેમને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

મેડલની હેટ્રિક છતાં અન્યાય?

શ્રીજેશના માર્ગદર્શન હેઠળ ભારતીય જુનિયર ટીમે માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ટીમ ૫ ટુર્નામેન્ટ રમી અને પાંચેયમાં પોડિયમ ફિનિશ (મેડલ) મેળવ્યા, જેમાં જુનિયર વર્લ્ડ કપનો પ્રતિષ્ઠિત બ્રોન્ઝ મેડલ પણ સામેલ છે. શ્રીજેશે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "સામાન્ય રીતે કોચને નબળા પ્રદર્શન બાદ હટાવવામાં આવતા હોય છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે વિદેશી કોચની નિમણૂક કરવા માટે સફળ ભારતીય કોચને વિદાય આપવામાં આવી રહી છે."

સરકારની ઈચ્છા અને બોર્ડનો નિર્ણય અલગ!

શ્રીજેશે પોતાની પોસ્ટમાં માર્ચ ૨૦૨૬માં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. રમતગમત મંત્રીએ તેમને ૨૦૩૬ના ઓલિમ્પિક માટે દેશનું નેતૃત્વ કરવા અને યુવા ખેલાડીઓને તૈયાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જોકે, હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ તેમને જણાવ્યું કે સિનિયર ટીમના મુખ્ય કોચ જુનિયર લેવલ પર પણ વિદેશી કોચ જ ઈચ્છે છે, જેથી જુનિયરથી સિનિયર ટીમ સુધીનો માર્ગ 'વિદેશી સ્ટાઈલ' મુજબ મજબૂત બને.

ભારતીય કોચની ક્ષમતા પર સવાલ

શ્રીજેશે અત્યંત ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "શું ભારતીય કોચ ભારતીય હોકીનો વિકાસ કરવામાં સક્ષમ નથી?" તેમણે પીએમઓ ઈન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ને ટેગ કરીને પૂછ્યું છે કે શા માટે તમામ ચાર રાષ્ટ્રીય ટીમોમાં ભારતીય કોચ કરતા વિદેશીઓ પર વધુ વિશ્વાસ મૂકવામાં આવે છે. શ્રીજેશની આ પોસ્ટ બાદ દેશભરના હોકી પ્રેમીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર ભારતીય પ્રતિભાઓની અવગણના થઈ રહી છે? હવે જોવાનું એ રહેશે કે હોકી ઇન્ડિયા આ ગંભીર આરોપો પર શું સ્પષ્ટતા કરે છે.

(7:50 PM IST)