તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 4th September 2026
બંગાળના સ્પિનર રોહિત યાદવ પર બે વર્ષ માટે સ્થાનિક ક્રિકેટ રમવા પર પ્રતિબંધ :અલગ-અલગ જન્મતારીખ ધરાવતા ત્રણ જન્મ પ્રમાણપત્રો મળ્યા
2017 અને 2020માં અપડેટ થયેલા આધાર રેકોર્ડમાં તેનું જન્મ વર્ષ 2006 દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 2021માં તેમાં ફેરફાર કરીને જન્મ વર્ષ 2009 કરવામાં આવ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઉંમરની છેતરપિંડીના મામલે બંગાળના લેગ સ્પિનર રોહિત યાદવ સામે કડક કાર્યવાહી કરી છે. BCCIએ રોહિત પર બે વર્ષ માટે સ્થાનિક ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસ દરમિયાન તેના નામે અલગ-અલગ જન્મતારીખ ધરાવતા ત્રણ જન્મ પ્રમાણપત્રો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં તેનો જન્મ વર્ષ 2007, 2009 અને 2010 દર્શાવવામાં આવ્યું હતું.
રોહિત તાજેતરમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ રહ્યો હતો. જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન તેણે ભારત માટે છ વિકેટ ઝડપી હતી અને અંતિમ ટેસ્ટમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ઘરઆંગણે યોજાનારી શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ શ્રેણી રાજકોટ અને અમદાવાદમાં યોજાવાની હતી.
શ્રીલંકા પ્રવાસ દરમિયાન રોહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની ઉંમર અંગે અલગ-અલગ રેકોર્ડ સામે આવ્યા હતા. રોહિત મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલમાં બંગાળ ક્રિકેટ સાથે જોડાયેલો છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)માં નોંધણી સમયે રોહિતનું જન્મ વર્ષ 2007 નોંધવામાં આવ્યું હતું. જોકે, તેના આધાર રેકોર્ડમાં પણ અલગ-અલગ જન્મ વર્ષ જોવા મળ્યાં હતા.
2017 અને 2020માં અપડેટ થયેલા આધાર રેકોર્ડમાં તેનું જન્મ વર્ષ 2006 દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 2021માં તેમાં ફેરફાર કરીને જન્મ વર્ષ 2009 કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય દસ્તાવેજોમાં પણ અલગ જન્મ વર્ષ સામે આવતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો.
મામલો સામે આવ્યા બાદ CABએ રોહિતને પોતાની જુનિયર ટીમમાંથી દૂર કરી દીધો હતો અને સમગ્ર માહિતી BCCIને આપી હતી. હવે BCCIએ તપાસ બાદ તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે તમામ રાજ્ય ક્રિકેટ સંગઠનોને પણ જાણ કરવામાં આવી છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
