<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬: ફાઇનલ પહેલા માતાનો ઠપકો શૂટર ઈશા સિંહ માટે આશીર્વાદરૂપ બન્યો, નાટકીય શૂટ-ઓફ બાદ જીત્યો શાનદાર સિલ્વર મેડલ!

દબાણમાં રાત્રે ઊંઘ ન આવતા માતાને ફોન કર્યો પણ મળ્યું લેક્ચર: “રમતનો આનંદ માણ, દબાણ ન લે”- માતાની આ સલાહે બદલી નાખી ૨૧ વર્ષીય ઈશાની કિસ્મત.

નાગોયા : જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ૨૫ મીટર પિસ્તોલ ફાઇનલ ઈવેન્ટમાં ભારતની ૨૧ વર્ષીય સ્ટાર શૂટર ઈશા સિંહે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. વિશ્વની નંબર-૧ શૂટર ગણાતી ઈશા પર ગત એશિયન ગેમ્સમાં ૪ મેડલ જીત્યા હોવાના કારણે આ વખતે અપેક્ષાઓનું ભારે દબાણ હતું. ફાઇનલની આગલી રાત્રે તે ભારે તણાવમાં હતી અને ઊંઘી શકી નહોતી. પરંતુ તે સમયે તેની માતા તરફથી મળેલો આકરો ઠપકો જ તેના માટે સુવર્ણ તક અને આશીર્વાદ સાબિત થયો હતો.

 

પોતાનો અનુભવ શેર કરતા ઈશાએ જણાવ્યું હતું કે, "હું ભારે દબાણમાં હતી અને સૂઈ શકતી નહોતી. મેં સહાનુભૂતિ મેળવવા મારી માતાને ફોન કર્યો, પણ તેના બદલે મને ઠપકો અને લેક્ચર મળ્યા! મારી માતાએ મને કહ્યું કે દરેકને દેશ માટે રમવાની આ તક મળતી નથી, એટલે દબાણ છોડીને રમતનો આનંદ માણ અને શાંતિથી સૂઈ જા. તે ઠપકો મારા માટે ખૂબ જ જરૂરી હતો." માતાના આ શબ્દોએ ઈશાનું મનોબળ વધાર્યું અને બીજા દિવસે તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી.

 

મેચ અત્યંત નાટકીય અને રોમાંચક રહી હતી. ૪૦ શોટ પછી ઈશા ૩૧ પોઈન્ટ સાથે એલિમિનેશનની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ તેણે હાર માની નહીં. તેણે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ માટે ઉત્તર કોરિયાની કિમ હ્યોન સુક સામે ત્રણ-ત્રણ શૂટ-ઓફ રમીને પોતાનો સિલ્વર મેડલ પાકો કર્યો હતો. ત્યારબાદ ગોલ્ડ મેડલ માટે ચીનની ઝિયાઓ જિયારુઇશુઆન સામે ૩૮-૩૮ પોઈન્ટની ટાઈ થઈ હતી. બીજા નિર્ણાયક શૂટ-ઓફમાં ચીનની શૂટરે ૩ ટાર્ગેટ ફટકાર્યા જ્યારે ઈશા ૨ જ ફટકારી શકી, જેના કારણે તે માત્ર એક શોટના તફાવતથી ગોલ્ડ ચૂક્યા છતાં ભારતે રોમાંચક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

 

(8:09 PM IST)