તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 30th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬: ભારતીય મહિલા તીરંદાજોએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ! ચીનને ધૂળ ચાટતી કરીને ભારતને અપાવ્યો સાતમો ગોલ્ડ
જ્યોતિ સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિકિથા તનિપર્થીની ત્રિપુટીએ કમ્પાઉન્ડ તીરંદાજીની ફાઇનલમાં ૨૩૮નો ઐતિહાસિક સ્કોર કરી ૨૦૧૪નો દક્ષિણ કોરિયાનો વર્લ્ડ રેકોર્ડ બરાબરી કર્યો

નવી દિલ્હી, તા.૩૦: એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું ગોલ્ડન પ્રદર્શન અવિરતપણે જારી છે. તીરંદાજીમાં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને દેશને સાતમો સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) અપાવ્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પૃથિકા પ્રદીપ અને ચિકિથા તનિપર્થીની ત્રિપુટીએ હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં ચીનની ટીમને ૨૩૮-૨૩૪થી એટલે કે ૪ પોઇન્ટના અંતરથી હરાવીને ગોલ્ડન નિશાન સાધ્યું છે.
શરૂઆતથી જ કાયમ રાખ્યો દબદબો
ચાર સેટ સુધી ચાલેલી આ ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય તીરંદાજોએ શરૂઆતથી જ ચીન પર દબાણ બનાવી રાખ્યું હતું:
• પ્રથમ સેટ: ભારતીય ટીમે પરફેક્ટ ૬૦નો સ્કોર કરીને ૬૦-૫૮થી બડત મેળવી.
• બીજો સેટ: ભારતે ફરી પકડ મજબૂત કરતાં ૫૯-૫૮થી સરસાઈ ૩ પોઇન્ટ પર પહોંચાડી.
• ત્રીજો સેટ: ચીને વાપસી કરીને પરફેક્ટ ૬૦ બનાવ્યા, જ્યારે ભારતે ૫૯ સ્કોર કર્યો. સ્કોર ૧૭૮-૧૭૬થી ભારતની તરફેણમાં રહ્યો.
• ચોથો સેટ: આખરી સેટમાં દબાણ વચ્ચે પણ ભારતીય ત્રિપુટીએ સહેજ પણ ભૂલ કર્યા વિના પરફેક્ટ ૬૦નો સ્કોર બનાવી વિજય પર મહોર મારી દીધી.
આખી મેચ દરમિયાન ૨૪ માંથી ૨૨ શૉટ્સ પર પરફેક્ટ ૧૦નો સ્કોર કરીને ભારતીય મહિલાઓએ અદ્ભુત સંયમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
આ ઐતિહાસિક જીત સાથે ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં દક્ષિણ કોરિયા દ્વારા બનાવવામાં આવેલા ૨૩૮ પોઇન્ટના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. દબાણની ક્ષણોમાં પૃથિકા પ્રદીપે સતત ૧૦ના સ્કોર પર નિશાન તાક્યું હતું, ચિકિથાએ શરૂઆતી નિષ્ફળતા બાદ શાનદાર કમબેક કર્યું હતું અને અનુભવી જ્યોતિ સુરેખાએ આખરી શૉટ્સમાં ચોક્કસ નિશાનો સાધીને ભારતને વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
