<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬: હારના મુખમાંથી બહાર આવી સાહિલ-ચિકિતાએ તીરંદાજીમાં ભારતને અપાવ્યો ગોલ્ડ, શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું

નેલ-બાઇટિંગ ફિનિશ! ૧૫૭-૧૫૭ની બરાબરી બાદ હાઇ-વોલ્ટેજ શૂટ-ઓફમાં ૨૦-૧૯થી દક્ષિણ કોરિયાને પછડાટ આપી ભારતીય જોડીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી, તા.૩૦: એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય તીરંદાજોએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સાહિલ જાધવ અને ચિકિતા તાનીપાર્થીની જોડીએ શ્વાસ અધ્ધર કરી દે તેવા રોમાંચક મુકાબલામાં દક્ષિણ કોરિયાને હરાવીને ભારત માટે વધુ એક સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કર્યો છે.

શરૂઆતી બડત અને છેલ્લી ક્ષણોનો ડ્રામા

મેચની શરૂઆતથી જ ભારતીય જોડીએ અદ્ભુત સંયમ દર્શાવ્યો હતો. પ્રથમ બે સેટના અંતે ભારતે ૮૦-૭૮ની સુંદર લીડ મેળવી લીધી હતી. જોકે, ત્રીજા સેટમાં કોરિયાએ વાપસી કરતાં ભારતની લીડ ઘટીને માત્ર એક પોઇન્ટ (૧૧૮-૧૧૭) રહી ગઈ હતી. આખરી અને ચોથા સેટમાં દક્ષિણ કોરિયાએ પરફેક્ટ ૨૦નો સ્કોર કરીને ભારત પર ભારે દબાણ સર્જ્યું હતું. દબાણ હેઠળ ચિકિતાનો શોટ ૯ પર જ વાગ્યો હતો, જેથી ભારત હારની અણી પર આવી ગયું હતું. જો સાહિલે છેલ્લો એરો ૧૦ પર ન માર્યો હોત તો ભારતે સિલ્વરથી સંતોષ માનવો પડત. પરંતુ સાહિલે શાનદાર ૧૦નો સ્કોર કરીને સ્કોર ૧૫૭-૧૫૭થી બરાબરી પર લાવી દીધો હતો.

શૂટ-ઓફમાં ૨૦-૧૯થી જીત

મેચ ટાઈ થતાં વિજેતા નક્કી કરવા માટે હાઇ-વોલ્ટેજ ‘શૂટ-ઓફ’નો સહારો લેવાયો, જ્યાં બંને ટીમોને ૨-૨ તીર ચલાવવાની તક મળી હતી.


•    પ્રથમ શોટ: બંને ટીમોએ ૧૦-૧૦નો સ્કોર કર્યો.

•    બીજો શોટ: સાહિલે ફરી નિશાનો સાધીને ૧૦ મેળવ્યા, જ્યારે દક્ષિણ કોરિયાના પુરુષ ખેલાડી ચોઈ દબાણમાં આવી જઈને માત્ર ૯નો જ સ્કોર કરી શક્યા.

આ રીતે શૂટ-ઓફમાં ભારતે ૨૦-૧૯થી દક્ષિણ કોરિયાને પરાસ્ત કરીને હારના મુખમાંથી ગોલ્ડ મેડલ છીનવી લીધો હતો.

નિયમની રોમાંચકતા

તીરંદાજીના નિયમ મુજબ જો શૂટ-ઓફમાં પણ સ્કોર સરખો રહે, તો જે ટીમનું તીર ટાર્ગેટના મિડલ પોઈન્ટ (કેન્દ્ર)ની સૌથી નજીક હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. પરંતુ સાહિલ અને ચિકિતાએ ચોક્કસ નિશાનો સાધીને શૂટ-ઓફમાં જ સ્પષ્ટ લીડ મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

(5:21 PM IST)