News of Wednesday, 2nd September 2026
એશિયા કપ ૨૦૨૬: ભારત સામેના મહામુકાબલા પહેલા પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ચાહકો સાથે મચાવી ધૂમ, ફેન્સે કહ્યું- "ક્યા ખાતી હો? ભારત કો હરાના હૈ"
થાઈલેન્ડ સામે વિજય મેળવ્યા બાદ પાકિસ્તાની વિમેન્સ ટીમનો આત્મવિશ્વાસ બુલંદ; ૫ સપ્ટેમ્બરના હાઈ-વોલ્ટેજ જંગ પહેલા 'ઈનશા અલ્લાહ' કહીને કેપ્ટને ફેન્સના દિલ જીત્યા

દુબઈ, તા.૦૨: મહિલા એશિયા કપ ૨૦૨૬ માં થાઈલેન્ડ સામે ૩૫ રનથી આસાન વિજય મેળવ્યા બાદ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ફાતિમા સના સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં હાજર ચાહકો સાથે સેલ્ફી લેતી વખતે અને વાતચીત કરતી વખતે કેપ્ટન સનાએ ખાસ ક્ષણો માણી હતી. આ દરમિયાન પાકિસ્તાની ચાહકોએ તેના લાંબા છગ્ગાઓના વખાણ કરતા પૂછ્યું હતું કે, "ક્યા ખાતી હો?" જેનો સનાએ હસતાં હસતાં જવાબ આપ્યો હતો.
જોકે, ચાહકોનું સમગ્ર ધ્યાન આગામી ૫ સપ્ટેમ્બરના રોજ રમાનારા ભારત વિરુદ્ધ પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મહામુકાબલા પર કેન્દ્રિત હતું. સમર્થકોએ સનાને આગ્રહ કરતાં કહ્યું કે, "ભારત કો હરાના હૈ!" (ભારતને હરાવવાનું છે). કેપ્ટન ફાતિમા સનાએ પૂરા આત્મવિશ્વાસ સાથે 'ઈનશા અલ્લાહ' કહીને ચાહકોને આશ્વાસન આપ્યું હતું. થાઈલેન્ડ સામેની જીતથી પાકિસ્તાન ટીમને મોમેન્ટમ ચોક્કસ મળ્યું છે, પરંતુ ભારત સામેનો જંગ તેમના માટે મોટો પડકાર બની રહેશે.
રેકોર્ડ્સમાં ભારતનું પલડું ભારે
ઈતિહાસ અને આંકડાઓ પર નજર કરીએ તો ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ અત્યંત નબળો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૧૭ T20 International મેચોમાં પાકિસ્તાન માત્ર ૩ વાર જ ભારતને હરાવવામાં સફળ રહ્યું છે. વર્ષ ૨૦૨૨ પછી પાકિસ્તાન મહિલા ટીમ ભારત સામે એક પણ મેચ જીતી શકી નથી. એટલું જ નહીં, છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ભારત સામે તેમને માત્ર ૧ જ જીત મળી છે. હવે જોવાનું એ રહેશે કે ૫ સપ્ટેમ્બરે ભારતીય મહિલા ટીમ આ જૂના દબદબાને જાળવી રાખે છે કે પછી પાકિસ્તાન કોઈ ઉલટફેર કરે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
