તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ટીમ ઈન્ડિયાના કોચ બનવા અંગે આશિષ નેહરાએ આપ્યું હસાવનારું નિવેદન: કહ્યું- 'પત્નીને પૂછવું પડશે, નહીં તો છૂટાછેડા લેવાનો વખત આવશે'
ગુજરાત ટાઇટન્સના હેડ-કોચે ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષના આઠથી નવ મહિના પરિવારથી દૂર રહેવું પડે છે, કોચિંગ નોકરી નહીં પણ મારું પેશન છે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ગુજરાત ટાઇટન્સ (GT) ને પોતાની આગવી સૂઝબૂઝથી ડેબ્યૂ વર્ષમાં જ ચેમ્પિયન બનાવનાર અને બીજા વર્ષે રનર-અપ અપાવનાર ભારતીય ક્રિકેટના દિગ્ગજ પેસ બોલર તથા હેડ-કોચ આશિષ નેહરા પોતાની રમૂજી શૈલી અને બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં એક સાર્વજનિક ઇવેન્ટ દરમિયાન જ્યારે તેમને એવો સવાલ પૂછવામાં આવ્યો કે શું તેઓ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ (ટીમ ઇન્ડિયા) ના મુખ્ય કોચ બનવા માગશે કે નહીં? ત્યારે નેહરાએ પોતાના અંદાજમાં હાસ્ય ફેલાવતા ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો.
ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલ (CAB) ના એક કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કરતા આશિષ નેહરાએ સ્પષ્ટતા કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવું એ કોઈ ખાવાના ખેલ નથી. આ જવાબદારી સ્વીકારતા પહેલાં મારે મારી પત્ની રુષ્માને પૂછવું પડશે, કારણ કે જો હું પરિવારની પરવાનગી વગર આટલું મોટું પગલું ભરું તો મારે છૂટાછેડા (ડિવૉર્સ) લેવાનો વખત આવી શકે છે! નેહરાએ ગંભીરતાપૂર્વક સમજાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શેડ્યૂલ અત્યંત વ્યસ્ત હોય છે અને વર્ષમાંથી આશરે આઠથી નવ મહિના સતત પરિવારથી દૂર રહીને પ્રવાસ ખેડવો પડે છે. ભાગ્યે જ કોઈ કોચ ત્રણ-ચાર વર્ષથી વધુ સમય સુધી આ પ્રકારના કઠિન શેડ્યૂલ સાથે ટકી શકતો હોય છે.
ગુજરાત ટાઇટન્સના સફળ કોચે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ કોચિંગના પદને ક્યારેય પોતાની મહત્વાકાંક્ષા કે માત્ર એક નોકરી તરીકે નથી ગણતા, પરંતુ તે તેમના માટે માત્રને માત્ર એક 'પેશન' (ઝનૂન) છે. ભલે ભારતીય ટીમનું કોચિંગ કરવું એ ગૌરવની વાત છે, પરંતુ અંગત જીવન અને પરિવારને સમય આપવો પણ એટલો જ જરૂરી છે. આશિષ નેહરાના આ નિવેદને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે અને ક્રિકેટ રસિકો તેમની આ ખુલ્લી અને મજાકીયા શૈલીના વખાણ કરી રહ્યા છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
