News of Thursday, 5th November 2026
ક્રિકેટ જગતના 'માસ્ટરબ્લાસ્ટર'નો ગુસ્સો: ૧૯૯૭ના બાર્બાડોસ ટેસ્ટમાં સચિન તેંડુલકરે ડ્રેસિંગ રૂમમાં ફેંકી હતી બોટલો!
૧૨૦ રનનો આસાન ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહીને ૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ તત્કાલીન કેપ્ટન સચિનનો આપો ગયો; સિનિયર ખેલાડીઓને પણ ખખડાવ્યા હતા.

નવી દિલ્હી:સામાન્ય રીતે પોતાના શાંત, સ્વસ્થ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા ક્રિકેટ જગતના 'ભગવાન' ગણાતા સચિન તેંડુલકરને ગુસ્સામાં જોવો એ ક્રિકેટ પ્રશંસકો માટે અસંભવ જેવું છે. પરંતુ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે આ જ 'માસ્ટરબ્લાસ્ટર' ખેલાડીઓ પર એટલા બધા ભડકી ગયા હતા કે તેમણે ડ્રેસિંગ રૂમમાં બોટલો સુધી ફેંકી દીધી હતી. આ કિસ્સો વર્ષ ૧૯૯૭ના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસનો છે, જેની ચર્ચા આજે પણ ક્રિકેટ કોરિડોરમાં થાય છે.
શું હતી સમગ્ર ઘટના?
વર્ષ ૧૯૯૭માં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હતી અને બાર્બાડોસ ખાતે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે ભારતીય ટીમની પકડ મજબૂત હતી અને જીતવા માટે માત્ર ૧૨૦ રનનો અત્યંત સરળ લક્ષ્યાંક સામે હતો. ક્રિકેટ સમીક્ષકોના મતે પણ ભારત આસાનીથી આ મેચ જીતી જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું.
પરંતુ, વેસ્ટ ઇન્ડિઝના ઘાતક બોલરો સામે ભારતીય બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં અને આખી ભારતીય ટીમ માત્ર ૮૧ રનમાં જ સમેટાઈ ગઈ. આ શરમજનક અને અણધારી હારે ભારતીય કેમ્પમાં સન્નાટો ફેલાવી દીધો હતો.
ડ્રેસિંગ રૂમમાં ફાટ્યો સચિનનો ગુસ્સો
મેચ હાર્યા બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા, ત્યારે ટીમના યુવા કેપ્ટન સચિન તેંડુલકર પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં. પ્રવાસની આ મહત્વપૂર્ણ મેચમાં આ પ્રકારે ખરાબ પ્રદર્શન અને બેજવાબદાર બેટિંગ જોઈને સચિન લાલચોળ થઈ ગયા હતા.
ખાસૂક સૂત્રો અને તે સમયના ડ્રેસિંગ રૂમના અહેવાલો મુજબ, સચિને ગુસ્સામાં આવીને ડ્રેસિંગ રૂમમાં પાણીની બોટલો ફેંકી દીધી હતી. માત્ર એટલું જ નહીં, તેમણે ટીમની હાર માટે જવાબદાર ગણાતા કેટલાક સિનિયર ખેલાડીઓને પણ પોતાની રમત પ્રત્યે ગંભીર બનવાની તાકીદ કરી હતી અને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા.
સચિનનું આ આક્રમક અને રૌદ્ર સ્વરૂપ જોઈને ડ્રેસિંગ રૂમમાં હાજર અન્ય ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી દર્દનાક અને આંચકાજનક પરાજયોમાં ગણાતી આ મેચનો આ કિસ્સો આજે પણ ક્રિકેટ ઇતિહાસના પાનાઓમાં એક યાદગાર પ્રકરણ તરીકે નોંધાયેલો છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
