<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

પશ્ચિમ બંગાળની ગલીઓથી ઓલિમ્પિક્સના મહામંચ સુધીની ભાવુક સફર: ભારતીય જિમ્નાસ્ટ પ્રણતિ નાયકે વ્યક્ત કરી દિલની વાત!

નાની ઉંમરે પરિવાર અને ઘર છોડવાનો વિરહ, સતત ઈજાઓ વચ્ચે સપના સાકાર કરવાનો અદમ્ય ઉત્સાહ: ચોથી એશિયન ગેમ્સમાં દેશનું નામ રોશન કરવા પ્રણતિ સજ્જ

કોલકાતા, તા.૧૬: ભારતીય જિમ્નાસ્ટિક્સ ક્ષેત્રે દીપા કરમાકર પછી ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બીજી ભારતીય મહિલા જિમ્નાસ્ટ પ્રણતિ નાયક આજે દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયા છે. પશ્ચિમ બંગાળના એક અત્યંત સાધારણ પરિવારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સના સૌથી મોટા મંચ સુધી પહોંચવાની તેમની આ સફર બલિદાન, સમર્પણ અને સંઘર્ષથી ભરેલી રહી છે. પોતાની ચોથી એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સજ્જ પ્રણતિ નાયકે 'ધ ફ્રી પ્રેસ જર્નલ' સાથેની ખાસ વાતચીતમાં પોતાની ભાવનાત્મક કારકિર્દીના અનેક અણકહ્યા પાસાઓ ઉજાગર કર્યા છે.

 

યોગ સમજીને શરૂ કર્યું હતું જિમ્નાસ્ટિક્સ, પરિવારથી દૂર થવાનો વિરહ વેઠ્યો

 

પોતાના બાળપણના દિવસો યાદ કરતા પ્રણતિએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે એવું વિચાર્યું હતું કે જિમ્નાસ્ટિક્સ પણ યોગ જેવી જ કોઈ સરળ કસરત હશે. પરંતુ જ્યારે સ્પર્ધાઓમાં મેડલ્સ મળવા લાગ્યા ત્યારે તેમને સમજાણું કે આ જ તેમની કારકિર્દી બનશે. તાલીમ માટે અતિ નાની વયે ઘર અને પરિવાર છોડીને કોલકાતા જવું ભાવનાત્મક રીતે અત્યંત મુશ્કેલ હતું. ઘરની ખૂબ યાદ આવતી હતી પરંતુ જિમ્નાસ્ટિક્સે તેમને સ્વતંત્ર અને માનસિક રીતે મજબૂત બનાવ્યા.

 

ટોક્યો ઓલિમ્પિક્સ અને મેડિટેશનની ભૂમિકા

 

ટોક્યો ૨૦૨૦ ઓલિમ્પિક્સમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાની ક્ષણને પોતાની કારકિર્દીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા તેમણે કહ્યું કે, "જ્યારે હું ઓલિમ્પિક ફ્લોર પર ઉતરી, ત્યારે હું માત્ર મારું જ નહીં પણ મારો પરિવાર, કોચ અને સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી હતી." ઈજાઓ અને માનસિક દબાણ સામે લડવા માટે તેઓ રોજીંદા જીવનમાં ધ્યાન (Meditation) અને શ્વાસની કસરતોને અનિવાર્ય ગણાવે છે.

 

આઈસ્ક્રીમ છોડવો સૌથી અઘરો, બંગાળી સાદું ભોજન પસંદ

 

ડાયેટ પ્લાન અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે જિમ્નાસ્ટ તરીકે શરીર હળવું અને લવચીક રાખવું ખૂબ જરૂરી છે. સ્પર્ધાના સમયગાળા દરમિયાન તેઓ કડક આહાર અનુસરે છે અને તેલયુક્ત કે મીઠાઈઓ ટાળે છે. જોકે, ઓફ-સીઝનમાં તેમને આઈસ્ક્રીમ ખાવાનો ખૂબ શોખ છે. સામાન્ય રીતે તેઓ બંગાળી સાદું ઘરેલું ભોજન જ પસંદ કરે છે.

 

રૂપેરી પડદે બાયોપિક બનાવવાની ઈચ્છા

 

રમતવીરો પર બનતી ફિલ્મો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે જો તેમની સફર પર કોઈ બાયોપિક બને તો તેમને ખૂબ આનંદ થશે. પરંતુ તેઓ ઈચ્છે છે કે લોકો આ ફિલ્મ દ્વારા જિમ્નાસ્ટના જીવન પાછળ રહેલા કઠોર શિસ્ત, લવચીકતા અને બલિદાનને નજીકથી સમજે. આ ચોથી એશિયન ગેમ્સમાં તેઓ 'વેલ્સપન ફાઉન્ડેશન' અને પોતાના કોચના સમર્થન સાથે દેશ માટે સુવર્ણ સફળતા લાવવા પૂરા આત્મવિશ્વાસથી તૈયારી કરી રહ્યા છે.

 

(4:47 PM IST)